આર્મેનિયાના પીએમના પત્ની યુધ્ધમાં ઉતરશે
યેરેવાન, આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે છેડાયેલા ભીષણ જંગનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી.હાલમાં યુધ્ધ વિરામ છે પણ ગમે ત્યારે ફરી બંને દેશો વચ્ચે યુધ્ધનો ભડકો થઈ શકે છે.
હવે તો આર્મેનિયાના પીએમ નિકોલ પશિયાનની પત્ની અન્ના હકોબયાન પણ યુધ્ધમાં ઉતરવા માટે લશ્કરી તાલીમ લઈ રહ્યા છે.આર્મેનિયાના ફર્સ્ટ લેડીએ 27 ઓક્ટોબરથી તાલીમ શરુ કરી લીધી છે અને તે એ 13 મહિલાઓની ટુકડીના સભ્ય હશે જે યુધ્ધના જંગમાં ઉતરશે.
રાયફલ ચલાવી રહેલા અન્ના હકોબયાનની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.નાગોર્નો કારબાખ વિસ્તાર પર કબ્જો મેળવવા ચાલી રહેલા જંગમાં અત્યાર સુધીમાં 5000ના જીવ ગયા છે.બંને દેશો વચ્ચે હાલમાં તો સિઝફાયર થયો છે.
42 વર્ષીય અન્નાએ કહ્યુ હતુ કે, આગામી કેટલાક દિવસો બાદ અમે બોર્ડર પર રવાના થઈશું.અમારો દેશ દુશ્મન સામે ક્યારેય નહીં ઝુકે.અન્ના વ્યવસાયે એક પત્રકાર છે.અન્ના હાલમાં હથિયારો ચલાવવાની ટ્રેનિંગ લઈ રહ્યા છે.એ પહેલા તેમને સાત દિવસની એક બીજી ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.
આર્મેનિયાના પીએમે આ પહેલા અપીલ કરી હતી કે, સ્થિતિ ગંભીર છે અને જનતાએ પણ હથિયાર ઉઠાવવા પડશે.આ પહેલા પીએમ નિકોલ પશિયાનના 20 વર્ષના પુત્રે પણ યુધ્ધમાં સ્વયંસેવક તરીકે ફરજ બજાવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.