આર્મેનિયા-અઝરબૈજાના વચ્ચેના જંગમાં 2700 સૈનિકોના મોત
મોસ્કો, આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ભીષણ યુધ્ધ ચાલુ થયે 6 દિવસ થઈ ગયા છે.આ દરમિયાન હવે રશિયાએ ફરી એક વખત ચેતવણી ઉચ્ચારી છે. આ યુધ્ધમાં તુર્કીએ અઝરબૈજાનનો ખુલ્લેઆમ પક્ષ લીધો છે.તુર્કીએ તો સિરિયાના આતંકીઓને પણ અઝરબૈજાન માટે જંગના મેદાનમાં ઉતાર્યા છે. પાકિસ્તાને પણ પોતાના સૈનિકો આર્મેનિયા સામે લડવા માટે મોકલ્યા છે. આ જંગમાં અત્યાર સુધીમાં બંને પક્ષના 2700 સૈનિકોના મોત થઈ ચુક્યા છે પણ બેમાંથી એક પણ દેશ પાછળ હટવા માટે તૈયાર નથી.
દરમિયાન તુર્કી દ્વારા આ યુધ્ધમાં થઈ રહેલા ખુલ્લેઆમ હસ્તક્ષેપ અને આતંકીઓને લડવા મોકલવા બદલ રશિયન રાષ્ટ્રપતિ પુતિન ભારે નારાજ છે. પુતિને શુક્રવારે આર્મેનિયાના વડાપ્રધાન નિકોલિયન પશિનિયન સાથે વાત કરી હતી. 6 દિવસમાં બંને નેતાઓ વચ્ચે ત્રીજી વખત વાત થઈ છે. રશિયન રાષ્ટ્રપતિ તુર્કીના નિવેદનોથી ભારે નારાજ છે. જોકે હજી રશિયા આ યુધ્ધમાં આર્મેનિયાના ટેકામાં ખુલ્લેઆમ ઉતરવાથી ખચકાઈ રહ્યુ છે. જો રશિયાએ આ જંગમાં ઝુકાવ્યુ તો યુધ્ધનો વ્યાપ વધી જશે.