આર્મેનિયા-અઝરબૈજાન જંગઃ તુર્કીએ સિરિયાના આતંકવાદીઓને યુધ્ધમાં મોકલ્યા

યેરેવાન, આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેનો ખૂની જંગ 100 લોકોના ભોગ લઈ ચુક્યો છે.અઝરબૈજાન અને આર્મેનિયાના સમર્થનમાં અલગ-અલગ દેશો નિવેદન આપી રહ્યા છે. તેમાં પણ અઝરબૈજાનને ટેકો જાહેર કરનાર તુર્કીએ તો સિરિયાના આતંકીઓને પણ લડાઈમાં ધકેલી દીધા છે.તુર્કીએ આર્મેનિયાને આપેલી ધમકી બાદ હવે ફ્રાંસ આર્મેનિયાના સમર્થનમાં આવી ગયુ છે.બીજી તરફ રશિયાએ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી છે.આ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે પણ વાત કરી છે.
રશિયાનુ આર્મેનિયા સાથે ભલે જોડાણ હોય પણ અઝરબૈજાન સાથે પણ તેના સબંધો છે.જોકે અઝરબૈજાન જે જગ્યા માટે આ લડાઈ ચાલી રહી છે તેને પાછી લેવા કટિબધ્ધ છે.અઝરબૈજાનના રાષ્ટ્રપતિએ એલાન કર્યુ છે કે, જ્યાં સુધી આર્મેનિયા નાગોર્નો કારાબાખ વિસ્તારમાંથી સેના પાછી નહીં લે ત્યાં સુધી આ જંગ ચાલુ રહેશે. અઝરબૈજાને દાવો કર્યો છે કે, આ વિસ્તારમાં અમે આર્મેનિયાની એસ-300 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ઉડાવી દીધી છે.આ પહેલા આર્મેનિયાનુ એક લડાકુ વિમાન પણ તોડી પાડવામાં આવ્યુ હતુ.જોકે આ લડાઈમાં તુર્કીએ હવે સિરિયાના આતંકીઓને પણ ઉતાર્યા છે.જોકે તુર્કી આ વાતનુ ખંડન કરી રહ્યુ છે.