આર્યનની જામીન અરજી મંજૂર થતાં ‘મન્નત’ની બહાર ચાહકોએ ફટાકડાં ફોડ્યાં

મુંબઈ, બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાન સહિત ત્રણ આરોપી (અરબાઝ તથા મુનમુન ધામેચા)ની જામીન અરજી આજે, 28 ઓક્ટોબરના રોજ મંજૂર કરી હતી. બોમ્બે હાઇકોર્ટમાં છેલ્લાં ત્રણ દિવસથી આ કેસની સુનાવણી થતી હતી.
NCBએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો, પરંતુ અંતે હાઇકોર્ટે જામીન આપી દીધા હતા. જોકે, હાઇકોર્ટ આવતીકાલ, 29 ઓક્ટોબરે જામીનના કારણો, શરતો સાથે પૂરો ચુકાદો અઢી વાગે આપશે. ત્યાં સુધી આર્યન ખાન સહિત ત્રણેય આરોપી જેલમાં જ રહેશે. હાઇકોર્ટના ઓર્ડર બાદ જ ત્રણેય આરોપી જેલમાંથી બહાર આવી શકશે. આર્યન-અરબાઝ આર્થર રોડ જેલમાં છે, જ્યારે મુનમુન ધામેચા ભાયખલ્લા જેલમાં બંધ છે.
આર્યન ખાનને જામીન મળતા જ શાહરુખના ઘર મન્નતની બહાર ચાહકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મન્નતની બહાર ચાહકોએ ખુશ થઈને આતશબાજી કરી હતી. ફટાકડાં ફોડ્યાં હતાં.
NCBએ ત્રણેય આરોપીની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. હાઇકોર્ટમાં જવાબ દાખલ કરીને NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ કહ્યું હતું કે જામીન મળ્યા તો આર્યન ખાન પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. તે વિદેશ ભાગી શકે છે. આર્યનના વકીલે કહ્યું હતું કે તેમના ક્લાયન્ટ પાસે ડ્રગ્સ મળ્યું નથી અને તેથી જ તેની ધરપકડ ખોટી છે.