આર્યનને ક્લિનચીટ આપ્યાનો એનસીબીએ કરેલો ઈનકાર
મુંબઈ, બુધવારે સવારે મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ને કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાને ષડયંત્ર રચ્યું હોય તેવા કોઈ પુરાવા નથી મળ્યા. જ્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ની મુંબઈ ટીમના નજીકના સૂત્રોનો સંપર્ક કરાયો ત્યારે તેમણે આ અહેવાલો ફગાવતાં કહ્યું, હાલ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી એનસીબીએ લીધેલાં પગલાં ખોટા છે કે કેમ તે ના કહી શકીએ.
હાલ આ કેસની તપાસ દિલ્હી એનસીબીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ કરી રહી છે. એનસીબીના ડીડીજી ઓપરેશન્સ સંજય સિંહે કહ્યું કે, કોઈ પુરાવા નથી મળ્યા તેમ કહેવું હાલના તબક્કે ખોટું ગણાશે.
દિલ્હીની એનસીબીની એસઆઈટી ટીમના હેડ સંજય સિંહે કહ્યું કે, આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ હજી પૂરી નથી થઈ. આર્યન ખાન વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળ્યા તેમ કહેવું અત્યારે ઉતાવળભર્યું ગણાશે. કોઈ મોટા ષડયંત્ર કે ઈન્ટરનેશનલ ડ્રગ સ્મગલિંગ સિન્ડિકેટનો ભાગ છે કે કેમ તે અત્યારે કહી શકાય તેમ નથી. હજી સુધી આર્યનને ક્લીન ચીટ આપવામાં આવી નથી, તેમ તેમણે ઉમેર્યું.
આર્યન ખાન સામે કોઈ પુરાવા નથી મળ્યા તેવા અહેવાલોને ફગાવતા સંજય સિંહે આગળ કહ્યું, ‘આર્યન ખાન સામે પુરાવા નથી તેમ કહેવું ઉતાવળિયું ગણાશે. અમારી તપાસ હજી પણ ચાલી રહી છે અને અમે આ મામલે અનેક નિવેદનો નોંધ્યા છે પરંતુ અમે ર્નિણય સુધી પહોંચ્યા નથી. આર્યન ખાન સામે કોઈ પુરાવા નથી તેવા મીડિયા રિપોર્ટની વાત છે તો કહી દઉં કે તેમાં કોઈ તથ્ય નથી માત્ર ધારણાઓ છે.
આ નિવેદનોને પબ્લિશ કરતાં પહેલા એનસીબી સાથે ક્રોસ ચેક કરવામાં આવ્યું નથી. તપાસ હજી ચાલુ છે અને હાલ કંઈ પણ કહેવું ઉતાવળ ગણાશે.’
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર ૨૦૨૧માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા. અહીં કથિત રેવ પાર્ટી ચાલતી હતી જેમાંથી સુપરસ્ટાર શાહરૂખ ખાનનો દીકરો આર્યન પણ પકડાયો હતો. આર્યન લગભગ એક મહિના સુધી જેલમાં રહ્યો હતો અને બોમ્બે હાઈકોર્ટે તેને શરતી જામીન પર મુક્ત કર્યો હતો.SSS