આર્યનને જામીન ના મળ્યા: NDPS કોર્ટ 20 ઓક્ટોબરે ફેંસલો કરશે
મુંબઈ, શાહરુખના દીકરા આર્યનની જામીન અરજી પર ગઈકાલે (13 ઓક્ટોબર) સુનાવણી થઈ હતી અને કોર્ટે આજે, 14 ઓક્ટોબરના રોજ સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. આજે સુનાવણી 12 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ના ASG (એડિશનલ સોલિસિટર જનરલ) અનિલ સિંહને હાઇકોર્ટમાં જવાનું હોવાથી તેઓ સવાએકની આસપાસ સેશન્સ કોર્ટ આવ્યા હતા.
કોર્ટે જામીન અરજી પરનો ફેંસલો 20 ઓક્ટોબર આપવાનો આદેશ આપ્યો હતો. જામીન અરજીની સુનાવણી વીવી પાટીલની કોર્ટમાં થઈ હતી. કોર્ટમાં શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણી તથા સિક્યોરિટી ગાર્ડ રવિ હાજર રહ્યાં હતાં.
આર્યનની જામીન અરજીનો વિરોધ કરતાં NCBએ કહ્યું હતું કે આરોપીઓને એકબીજાથી અલગ કરી શકાય નહીં. આરોપી પાસેથી ભલે કોઈ વસ્તુ ના મળી, પરંતુ તે આ ષડયંત્રમાં સામેલ છે. ખાન પર પ્રતિબંધિત સામગ્રી ખરીદવાનો આરોપ છે. અરબાઝ મર્ચન્ટ પાસેથી પ્રતિબંધિત સામગ્રી મળી આવી હતી. વિદેશમાં લેવડ-દેવડ સંબંધિત તપાસ ચાલી રહી છે.
આર્યન ખાન તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે, ‘કથિત વ્હોટ્સએપ ચેટની સત્યતા ચકસ્યા વગર NCB આર્યનને ફસાવવા માટે પૂરી રીતે એની પર વિશ્વાસ કરે છે. આ ઉપરાંત એવું કંઈ જ નથી, જેનાથી ખ્યાલ આવે કે આ કથિત ચેટનો ક્રૂઝ ડ્રગ્સ કેસ સાથે સંબંધ છે.’
NCBએ 3 ઓક્ટોબરના રોજ આર્યનની ધરપકડ કરી હતી. કોર્ટમાંથી જ્યુડિશિયલ કસ્ટડી મળ્યા બાદ 8 ઓક્ટોબરથી આર્યન આર્થર રોડ જેલમાં છે. આર્યને પૂછપરછમાં ચરસ લીધું હોવાની વાત સ્વીકારી છે.