આર્યને કહ્યું હતું, સર તમે મારી આબરુને માટીમાં મિલાવી દીધી

મુંબઈ, ગત વર્ષે બોલિવૂડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી) દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસની લાંબા સમય સુધી ખૂબ ચર્ચા ચાલી હતી. શાહરુખ ખાનનો દીકરો ખરેખર દોષી છે કે તેને ફસાવવામાં આવી રહ્યો છે તેવી પણ એક ચર્ચા શરુ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં એક લક્ઝરી ક્રૂઝ પર એનસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ એક મહિના સુધી આ કેસની તપાસ ચાલી અને આર્યને જેલની સજા પણ કાપવી પડી. પરંતુ પછી આર્યન ખાનને અમુક શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા જ આર્યન ખાનને આ કેસમાં ક્લિન ચીટ પણ મળી ગઈ છે.
આ સમગ્ર બાબતે શાહરુખ ખાન તેમજ આર્યન ખાને કોઈ જ ટિપ્પણી નથી કરી પરંતુ તાજેતરમાં જ એક સીનિયર એનસીબી અધિકારીની એક ન્યુઝ ચેનલ સાથે વાત થઈ હતી, જેમાં તેમણે જણાવ્યું કે જ્યારે આર્યન કસ્ટડીમાં હતો ત્યારે તેણે એજન્સીને શું કહ્યુ હતું.એનસીબીના ડેપ્યુટી ડાઈરેક્ટર સંજય સિંહ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ(એસઆઈટી)ને હેન્ડલ કરી રહ્યા હતા.
આ ટીમ ક્રૂઝ ડ્રગ્સ કેસ માટે ખાસ કરીને તૈયાર કરવામાં આવી હતી. સંજય સિંહના જણાવ્યા અનુસાર, આર્યન ખાને તેમને કહ્યુ હતું કે, સર તમે મને એક ઈન્ટરનેશનલ ડ્રગ તસ્કર બનાવી દીધો છે, જાણે કે હું ડ્રગ્સની હેરાફેરીને ફાઈનાન્સ કરુ છું. શું આ આરોપ પાયાવિહોણા નથી? તે લોકોને તે દિવસે મારા મિત્રો પાસેથી ડ્રગ્સ નહોતા મળ્યા અને તો પણ તેમણે મારી ધરપકડ કરી લીધી.
સંજય સિંહે વધુમાં જણાવ્યું કે, આર્યન ખાને તેમને સવાલ કર્યો હતો કે, શું તેને આટલા લાંબા સમય સુધી જેલમાં રાખવો જાેઈએ? આર્યનની દલીલ હતી કે, તેના વિરુદ્ધ કોઈ પુરાવા પણ નથી. આર્યને સંજય સિંહને કહ્યુ હતું, સર, તમે મારી સાથે ઘણું ખોટું કર્યું છે અને મારી આબરુને માટીમાં મેળવી દીધી છે. મારે આટલા અઠવાડિયા જેલમાં કેમ પસાર કરવા પડ્યા? શું હું ખરેખર તેને લાયક હતો?
તમને જણાવી દઈએ કે ૨૮મી મેના રોજ એનસીબી તરફથી કહેવામાં આવ્યુ હતું કે તપાસ દરમિયાન આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ નહોતા મળ્યા.SS2KP