આર્યન ખાન સહિત ત્રણેય આરોપીઓની જામીન અરજી ફગાવાઈ
નવી દિલ્હી, અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. કોર્ટે ડ્રગ્સ કેસમાં પોતાનો નિર્ણય સંભળાવવા દરમિયાન શાહરૂખ ખાનના દીકરાની જામીન અરજીને નકારી દીધી હતી. ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનની જામીન અરજીને છેલ્લા કેટલાક દિવસોથી આગલી તારીખ પર ધકેલવામાં આવી રહી હતી. ગત 14 ઓક્ટોબરના રોજ સેશન્સ કોર્ટમાં જજે વકીલોની દલીલ સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.
આ બધા વચ્ચે એક સ્ફોટક વાત સામે આવી છે. જાણવા મળ્યા મુજબ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાન સાથે બોલિવુડની એક ઉભરતી અભિનેત્રી સાથેની ચેટ પણ એનસીબીને હાથ લાગી છે. તે ચેટ્સમાં નશા અંગે વાતચીત થઈ રહી હતી. કોર્ટમાં દલીલ દરમિયાન એનસીબીની ટીમે આરોપીઓની જે ચેટ્સ કોર્ટને સોંપી છે તેમાં આર્યન સાથે આ અભિનેત્રીની ચેટ્સ પણ સામેલ છે. તે સિવાય આર્યનની કેટલાક ડ્રગ પેડલર્સ સાથેની ચેટ્સ પણ કોર્ટને સોંપવામાં આવી હતી.
એનસીબીના કહેવા પ્રમાણે આર્યન ઈન્ટરનેશનલ ડ્રગ પેડલર્સ સાથે કનેક્શન ધરાવે છે. આ એક મોટું ષડયંત્ર છે જેની તપાસ થાય તે જરૂરી છે. આર્યન અરબાઝ પાસેથી ડ્રગ્સ લેતો હતો.
આ તરફ આર્યન ખાનના વકીલ અમિત દેસાઈએ સ્ટારકિડની ધરપકડને પાયાવિહોણી ગણાવી છે. તેમના કહેવા પ્રમાણે આર્યન પાસેથી કોઈ જ ડ્રગ્સ નથી મળી આવ્યું. તે સિવાય એનસીબીને કોઈ રોકડ પણ નથી મળી. જે વ્યક્તિએ આર્યનને પાર્ટીમાં બોલાવેલો તેની ધરપકડ નથી થઈ. આર્યનને મુનમુન ધમેચા સાથે કોઈ જ કનેક્શન નથી.