આવક કરતા વધુ સંપત્તી મામલે ઓમ પ્રકાશ ચૌટાલાને કેદ

હરિયાણા, આવક કરતા વધારે સંપત્તિ મામલે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાની સજા પર ચુકાદો આવી ગયો છે. દિલ્હીની સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે આવક કરતા વધારે સંપત્તિ મામલે દોષી સાબિત થયેલા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને શુક્રવારે ૪ વર્ષની સજા સંભળાવી અને પચાસ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. એટલુ જ નહીં, કોર્ટે ચૌટાલાની ચાર સંપત્તિઓને જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે.
કોર્ટ રૂમમાંથી જ ઓમ પ્રકાશ ચૌટાલાની ધરપકડ કરવાનો આદેશ અપાયો છે. આ રીતે ચૌટાલા કોર્ટમાંથી સીધા જેલ જશે. ચૌટાલા તરફથી આ મામલે અપીલ ફાઈલ કરવા માટે ૧૦ દિવસનો સમય માગવામાં આવ્યો હતો. જેની પર જજે કહ્યુ કે તમે હાઈકોર્ટ જાવ. ગુરૂવારે સુનાવણી પૂરી થયા બાદ કોર્ટે ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો.
વિશેષ જજ વિકાસ ઢુલેએ વર્ષ ૧૯૯૩થી ૨૦૦૬ દરમિયાન આવક કરતા વધારે સંપત્તિ મળતા દોષી સાબિત થયેલા ઓપી ચૌટાલા અને સીબીઆઈના વકીલોની ગુરૂવારે સજા પર ચર્ચા સાંભળી હતી. ઓ પી ચૌટાલાએ ચર્ચા દરમિયાન વૃદ્ધત્વ અને મેડીકલના આધારે ઓછામાં ઓછી સજા આપવાની વિનંતી કરી હતી.
સીબીઆઈએ વધારે સજા આપવાની વિનંતી કરતા કહ્યુ કે આનાથી સમાજમાં સંદેશ જશે. એજન્સીએ કહ્યુ કે ચૌટાલાનો બેદાગ ઈતિહાસ નથી અને આ બીજાે કેસ છે જેમાં તેમને દોષી કરાર કરાયા છે. કોર્ટે ગયા સપ્તાહે ચૌટાલાને દોષી કરાર કરતા કહ્યુ કે આરોપી તે સમયે આવક કરતા વધારે સંપત્તિનો સંતોષજનક હિસાબ આપવામાં નિષ્ફળ રહ્યા.
સીબીઆઈએ ચૌટાલા વિરૂદ્ધ વર્ષ ૨૦૦૫માં કેસ નોંધ્યો હતો. એજન્સીએ ૨૬ માર્ચ ૨૦૧૦માં દાખલ ચાર્જશીટમાં આરોપ લગાવ્યો હતો કે ચૌટાલાએ વર્ષ ૧૯૯૩થી ૨૦૦૬ ની વચ્ચે માન્ય આવક કરતા વધારે સંપત્તિ બનાવી.
સીબીઆઈ દ્વારા નોંધાયેલી ફરિયાદ અનુસાર ચૌટાલાએ ૨૪ જુલાઈ ૧૯૯૯થી પાંચ મે ૨૦૦૫ સુધી હરિયાણાના મુખ્યમંત્રી રહેતા પરિવાર અને અન્યની સાથે સાઠગાંઠ કરીને આવકના સ્ત્રોત કરતા વધારે જંગમ અને સ્થાવર મિલકત બનાવી.
આ સંપત્તિ ચૌટાલા અને તેમના પરિવારના સભ્યોના નામે છે. સીબીઆઈ અનુસાર ચૌટાલાએ આવક કરતા ૬.૦૯ કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ પ્રાપ્ત કરી જે તેમના આવકના સ્ત્રોત કરતા ૧૮૯.૧૧ ટકા વધારે હતી.SS2MS