આવતા મહિનાથી રાંધણ ગેસ સસ્તો થશે
નવીદિલ્હી: ફેબ્રુઆરીમાં રાંધણ ગેસના સિલીન્ડરની કિંમતોમાં ભારે વધારો થયા બાદ વિપક્ષનાં નિશાને આવેલી કેન્દ્ર સરકારે સંકેત આપ્યા છેકે, આવતા મહિનામાં તેની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરૂવારે સંકેત આપ્યા હતાકે, આવતા મહિનાઓમાં ઘરેલું એલપીજી ગેસના ભાવ નીચે આવી શકે છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુકે, આ વાત સત્ન નથી કે દેશમાં રાંધણ ગેસની કિંમતોમાં સતત વધારો થશે.
તેમણે કહ્યુકે, ફેબ્રુઆરી મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં તેજીને કારણે સ્થાનિક સ્તર પર એલપીજીની કિંમતોમાં વધારો કરવો પડ્યો છે. તેમણે કહ્યુકે, હવે એવાં સંકેતો મળી રહ્યા છે. કે, આગામી મહિનામાં એલપીજીની કિંમતોમાં ઘટાડો આવી શકે છે. આ પહેલાં સરકારે પણ એક નિવેદન આપીને જણાવ્યુ હતુકે ,આંતરરાષ્ટ્રીય બજારમાં જાન્યુઆરી ૨૦૨૦માં એલપીજીની કિંમત ૪૪૮ ડોલર મેટ્રિક ટનથી વધીને ૫૬૭ ડોલર મેટ્રિક ટન હોવાને કારણે કિંમતમાં વધારો કરવા માટે મજબૂર થવું પડ્યુ હતુ.
સરકારી ગેસ માર્કેટિંગ કંપનીઓએ ૧૨ ફેબ્રુઆરીએ એલપીજી ગેસના ભાવમાં સિલિન્ડર દીઠ ૧૪૪.૫૦ રૂપિયા (૧૪.૨ કિલો) વધારો કરવાની જાહેરાત કરી હતી. આ પછી રાજધાની દિલ્હીમાં એલપીજીની કિંમત વધીને સિલિન્ડર દીઠ ૮૫૮.૫૦ રૂપિયા થઈ ગઈ છે. ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની ૧ લી તારીખે ગેસના ભાવમાં ફેરફારની જાહેરાત કરે છે.
એવું માનવામાં આવે છે કે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને કારણે વિલંબના કારણે ફેબ્રુઆરીમાં એલપીજીના ભાવની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે ૧૩ ફેબ્રુઆરીએ રજૂ કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે એલપીજીની કિંમતોમાં વધારો થતાં તેણે ગ્રાહકોને આપવામાં આવતી સબસિડી બમણી કરી છે. સરકારના નિવેદનમાં જણાવ્યા અનુસાર હવે ઘરેલું એલપીજી પર સબસિડી સિલિન્ડર દીઠ ૧૫૩.૮૬ રૂપિયાથી વધારીને ૨૯૧.૪૮ રૂપિયા કરી દેવામાં આવી છે અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીને સિલિન્ડર દીઠ રૂપિયા ૧૭૪.૮૬ થી વધારીને ૩૧૨.૪૮ કરવામાં આવી છે.