આવતા મહિને મોદી જર્મની, ડેન્માર્ક અને ફ્રાન્સની મુલાકાત લેશે
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મે મહિનામાં ત્રણ દેશોના પ્રવાસે જઈ શકે છે. મેના પ્રથમ સપ્તાહમાં તેઓ જર્મની, ડેન્માર્ક અને ફ્રાંસના પ્રવાસે જશે. જણાવી દઇએ કે, પીએમ મોદીની આ વર્ષની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. આવી સ્થિતિમાં તેના અનેક અર્થ નીકાળી શકાય.
એવાં અહેવાલ પણ સામે આવી રહ્યાં છે કે, ૧મેથી ૫ મે વચ્ચે વડાપ્રધાન મોદી યુરોપિયન દેશોના પ્રવાસે જઈ શકે છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી આવી પરંતુ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
વડાપ્રધાન મોદીની મુલાકાતની વાત કરીએ તો તેઓ જર્મનીમાં ચાન્સેલર ઓલાફ શુલ્ટ્ઝને મળી શકે છે. જયારે ડેન્માર્કમાં પીએમનું ફોકસ નોર્ડિક દેશો સાથે સંબંધો સુધારવા પર હોઇ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ડેન્માર્કમાં પીએમ મોદી ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરી શકે છે.
હાલમાં રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે, તેના કારણે પણ પીએમ મોદીની આ મુલાકાતનું મહત્વ ઘણું વધી ગયું છે. ભારતે આ યુદ્ધને લઈને તટસ્થ વલણ અપનાવ્યું છે અને ભારતે એક વખત પણ રશિયા વિરુદ્ધ મતદાન કર્યું નથી. આવી સ્થિતિમાં, પીએમ મોદી યુરોપિયન દેશોના પ્રવાસ દરમિયાન તે તણાવ દૂર કરવાનો પ્રયાસ કરી શકે છે. રશિયન તેલ ખરીદવાને લઈને શરૂ થયેલા વિવાદ અંગે પણ ચર્ચા શક્ય છે.