આવતીકાલથી ટ્રેન સ્ટેશન છોડે તેનાં 5 મિનિટ પહેલાં સુધી ટિકિટ મળશે
નવી દિલ્હી, ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગ માટે 10 ઓક્ટોબરથી પ્રિ-કોવિડ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત ટ્રેન સ્ટેશન છોડે તેનાં 5 મિનિટ પહેલાં સુધી ટિકિટ બુક કરાવી શકાશે. રેલવેએ મહામારીને ધ્યાનમાં રાખી નિયમિત ટ્રેનો બંધ કરી છે અને આ સમયે માત્ર સ્પેશલ ટ્રેન જ કાર્યરત રહેશે. રેલવે ધીરે ધીરે કોવિડ-19 પહેલાંની સિસ્ટમમાં પરત ફરી રહી છે. હવે 10 ઓક્ટોબરથી ડિપાર્ચરની 30 મિનિટ પહેલાં બીજો રિઝર્વેશન ચાર્ટ તૈયાર થશે.
બીજો રિઝર્વેશન ચાટ સ્ટેશનથી નર્ધારિત ડિપાર્ચરથી 30 મિનિટ પહેલાં તૈયાર થશે. કોવિડ-19 પહેલાં પણ આમ જ થતું હતું, પરંતુ અગાઉ ભારતીય રેલવેએ સ્પેશલ ટ્રેન શરૂ કરી હતી ત્યારે બીજો ચાર્ટ ડિપાર્ચરના 2 કલાક પહેલાં તૈયાર થતો હતો.
ટ્રેનની ટિકિટ બીજો ચાર્ટ બને ત્યાં સુધી બુક કરાવી શકાશે. 10 ઓક્ટોબરથી આ ચાર્ટ ટ્રેનના શેડ્યુલ ડિપાર્ચરથી 5થી 30 મિનિટ પહેલાં બનાવી શકાશે. અર્થાત હવે ટિકિટ બીજો ચાર્ટ બને ત્યાં સુધી બુક કરાવી શકાશે.
પ્રથમ ચાર્ટ શેડ્યુલ ડિપાર્ચરના 4 કલાક પહેલાં બને છે. જો કેન્સલેશનને કારણે સીટો ખાલી રહે છે તો પેસેન્જર બીજો ચાર્ટ બને ત્યાં સુધી PRS કાઉન્ટરથી અને ઓનલાઈન (IRCTCની વેબસાઈટ અથવા એપથી) ટિકિટ બુક કરાવી શકે છે. રીફંડ રૂલ્સની જોગવાઈ પ્રમાણે, આ દરમિયાન ટિકિટ કેન્સલ પણ કરાવી શકાશે.
મહામારી દરમિયાન ટાઈમિંગ બદલ્યા કારણ કે, શરુઆતમાં ટિકિટ માત્ર ઓનલાઈન જ અવેલેબલ હતી. રેલવે સ્ટેશન પર ભીડ ઓછી કરવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી લોકોને જરૂરી હોય તો જ પ્રવાસ કરે.
છેલ્લા કેટલાક મહિનાઓથી સ્થિતિ બદલાઈ ગઈ છે. કેન્દ્રએ પણ અનલોકની પ્રોસેસ શરુ કરી છે. ધીમે-ધીમે દરેક કામ માર્ચની પહેલાંની સ્થિતિ જેવા થઇ રહ્યા છે.
રેલવેએ લોકડાઉનને લીધે 25 માર્ચથી બધી ટ્રેન કેન્સલ કરી હતી. 1 મેથી સ્પેશિયલ ટ્રેન અને પછી 230 ટ્રેન ચાલુ કરી. 12 સપ્ટેમ્બરથી 80 સ્પેશિયલ ટ્રેન શરુ કરી અને પછી 40 (20 જોડી) ક્લોન ટ્રેન પણ શરુ કરી. ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખીને રેલવેએ 39 જોડી નવી ટ્રેન શરુ કરવાની જાહેરાત કરી છે. આ સ્પેશિયલ ટ્રેન્સ 15 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી ઓપરેશનલ રહેશે.