Western Times News

Gujarati News

આવતીકાલથી ભક્તો માટે ખૂલશે મંદિરોના દરવાજા, સરકારે છૂટ આપી

અમદાવાદ: આવતીકાલે ૧૧ જૂનથી સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે. પરંતુ એક સમયે એક સાથે ૫૦ થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે છૂટછાટ સાથે આવતીકાલથી મંદિરો ખુલ્લા રહેશે. ત્યારે ગુજરાતના અનેક પ્રખ્યાત મંદિરો આવતીકાલથી ખૂલવા જઈ રહ્યાં છે. અનેક મંદિર ટ્રસ્ટ દ્વારા આ જાહેરાત કરાઈ છે. છેલ્લાં બે મહિનાથી બંધ મંદિરોના દરવાજા ભક્તો માટે આવતીકાલથી ખૂલી જશે.

પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ મહાકાળી માતાજી મંદિરમાં આવતીકાલથી દર્શન કરી શકાશે. ૧૧ જૂનથી સવારે ૬.૦૦ થી સાંજે ૭.૩૦ સુધી મંદિરમાં પ્રત્યક્ષ દર્શનનો લાભ ભક્તો લઈ શકશે. આ માટે મંદિર તથા ભક્તોએ કોરોના ગાઈડલાઇનનું પાલન કરવું પડશે. સાથે જ રોપ વે કંપની દ્વારા પણ ગાઈડલાઈન માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે.
ડભોઇમાં આવેલ કુબેરભંડારી મંદિર પણ આવતીકાલથી ખૂલશે. કરનાળી સ્થિત આવેલુ છે આસુપ્રસિદ્ધ મંદિર. ભક્તો સવારે ૭ થી સાંજે ૬ઃ૩૦ સુધી દર્શન કરી શકશે. આ મંદિરમાં પણ ભક્તો કોરોનાના નિયમો અનુસાર દર્શન કરી શકશે. છેલ્લા ૧ મહિનાથી કુબેરભંડારી મંદિર બંધ હતું. મંદિર પ્રશાસને લેટર ઈશ્યુ કરી આ જાણકારી આપી છે.

વીરપુરનું સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ મંદિર તારીખ ૧૪ જૂને દર્શન માટે ખુલ્લુ મૂકાશે. અગાઉ ૧૧ એપ્રિલથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે યાત્રાધામ વીરપુર જલારામ બાપાનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીની બીજી લહેરને લઈને પૂજ્ય શ્રી જલારામબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા મંદિર બંધ કરવાનો ર્નિણય લેવાયો હતો. તો હવે ૧૪ જૂન સોમવારથી ભક્તો માટે પૂજ્ય જલારામબાપાના મંદિરના દ્વાર ખુલ્લા મુકવામા આવશે. સરકારી નિયમોને આધીન ભક્તો દર્શન કરી શકશે.

દર્શનાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી ટોકન સિસ્ટમથી પૂજ્ય બાપાના દર્શન કરી શકશે. દર્શનનો સમય સવારે ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ થી સાંજના ૭ વાગ્યા સુધીનો રહેશે. જાેકે, ભક્તોને સવાર-સાંજની આરતીમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. સાથે જ દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ રહેશે.

બોટાદનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર આવતીકાલે ભક્તો માટે ખૂલશે. રાજ્ય સરકારની નવી ગાઈડલાઇન મળતા સાળંગપુર હનુમાનજી મંદિરના દ્વાર ભક્તો માટે ખૂલશે. અહીં સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઈનનું થશે પૂરેપૂરું પાલન કરવામાં આવશે તેવુ મંદિર દ્વારા જણાવાયું. જાેકે, સવાર બપોર અને સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહિ મળે. સાથે જ મંદિરમાં પૂજાવિધિ અને ધર્મશાળા પણ ખૂલશે તેવી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ માહિતી આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.