‘આવનારો સમય USA માટે ખતરનાક છેઃ મને બે લોકોએ મારવાનો પ્રયાસ કર્યો છેઃ ઈલોન મસ્ક
ટ્રમ્પ પર હુમલા બાદ મસ્કે ભય વ્યકત કર્યો
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો કર્યા બાદ અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, આઠ મહિના પહેલા મારો બે વખત હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
તેમણે સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે, ‘આવનારો સમય ખતરનાક છે. મને બે લોકોએ જુદા જુદા સ્થળોએ મારવાનો પ્રયાસ કર્યો છે. જોકે હુમલાખોરને ટેક્સાસમાં ટેસ્લા હેડક્વાર્ટર ખાતે લગભગ ૨૦ મિનિટમાં બંદુક સાથે પકડી લેવામાં આવ્યા હતા.’
બીજી તરફ ઈલોન મસ્કે અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનું જાહેરમાં સમર્થન કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘આ હુમલા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સિક્રેટ સર્વિસ સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા છે, તેથી સિક્રેટ સર્વિસના વડાએ રાજીનામું આપી દેવું જોઈએ. સોશિયલ મીડિયા એક ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ દરમિયાન ફાયરિંગ થતું જોવા મળી રહ્યું છે.
આ દરમિયાન ટ્રમ્પને માથાના ડાબા ભાગમાંથી લોહી નીકળી રહ્યું છે અને અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટો તેમને તુરંત ત્યાંથી બહાર લઈ જઈ રહ્યા હતા. મીડિયાએ કહ્યું કે, ટ્રમ્પ સુરક્ષિત છે અને ઠીક છે. તેમની હત્યા કરવાના ઈરાદે ફાયરિંગ કરાયું હોવા અંગે તપાસ કરવામાં આવી રહી છે અને અમેરિકન ગુપ્ત સેવા એજન્ટોએ હુમલાખોરને ઠાર કર્યો છે.
દરમિયાન ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની તપાસ શરૂ કરતા હુમલાખોરની ઓળખ કરી લીધી છે. હુમલાખોરની ઉંમર ૨૦ વર્ષ છે અને પેન્સિલવેનિયાનો જ રહેવાસી છે. ટ્રમ્પની રેલી પણ ત્યાં જ યોજાઈ હતી.
સિક્રેટ સર્વિસે એક નિવેદન આપીને જણાવ્યું કે, હુમલાખોરને ઘટનાસ્થળ પર જ જવાબી કાર્યવાહીમાં ઠાર કરી દેવામાં આવ્યો છે. ગોળીબારની આ ઘટનામાં હુમલાખોર સિવાય એક અન્ય વ્યક્તિનું પણ મોત થઈ ગયું છે અને બે અન્ય સામાન્ય નાગરિકને પણ ઈજા થઈ હતી.