આવાસના ફ્લેટ ભાડેથી આપી શરતનું ઉલ્લંઘન કરતાં લોકો સામે સ્થાનિકોમાં રોષ
વાવોલમાં ગોકુલધામ રેસીડેન્સીમાં ભાડુઆતો દૂર કરવા પ્રબળ માંગ -આ મામલે સ્થાનિકોએ અગાઉ મુખ્યમંત્રીને પણ રજુઆત કરી હતી
ગાંધીનગર, ગુડા આવાસ ભાડે આપવાની મનઈા છે. જોકે આવાસ ભાડે આપવાના મામલે ગુડા દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવે છે ત્યારે વાવોલની ગોકુલધામ રેસીડેન્સીમાં લાભાર્થીઓ દ્વારા ફલેટ ભાડે આપવાના મામલે સ્થાનિકોમાં વિરોધની લાગણી પ્રબળ બની છે. આ મામલે યોગ્ય તપાસ કરી આવાસો ખાલી કરાવવા મુખ્યમંત્રીને પત્રના માધ્યમથી રજુઆત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વાવોલ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ૧૩ના ફાઈનલ પ્લોટ નંબર ૩૧૯માં ફલેટ ટાઈપ વસાહત બાંધવામાં આવેલી છે. જેને ગોકુલધામ રેસીડેન્સી નામાભિધાન કરવામાં આવેલું છે. સ્વાભાવિક રીતે જ આવાસોનો ડ્રો કરવામાં આવ્યો અને ત્યારબાદ લાભાર્થીઓને ફલેટનો કબજો સોંપવામાં આવ્યો
ત્યારે પણ ગુડા દ્વારા આવાસનો ઉપયોગ માત્ર લાભાર્થી પરિવાર જ કરી શકશે અને અન્ય કોઈને ફલેટ ભાડેથી આપી શકાશે નહીં તેવી શરત મુકવામાં આવી હતી. જોકે બાદમાં આ શરત કાગળ પર રહી જતી હોય છે. ઘણા કિસ્સામાં લાભાર્થી દ્વારા ફલેટ ભાડે ચઢાવી દઈને બેંક લોનના હપ્તા ભરવાનું ગણિત બેસાડવામાં આવતું હોય છે તો ઘણા કિસ્સામાં ભાડાની કમાણી કરવા માટે જ ફલેટ લેવામાં આવતો હોય છે.
જયારે ગોકુલધામ રેસીડેન્સી દ્વારા મુખ્યમંત્રીને પત્રના માધ્યમથી રજુઆતમાં જણાવવામાં આવ્યા મુજબ સોસાયટીમાં ચોરીના બનાવ બન્યા છે. આવા સંજોગોમાં અહીં ભાડે મકાન આપવાના મામલે તપાસ કરીને તેવા ફલેટ ખાલી કરાવવા વારંવાર રજૂઆત કરવામાં આવ્યા બાદ પણ તપાસ થઈ નથી. આ સ્થિતિ વચ્ચે આ આવાસોમાં ગેરકાયદે પ્રવૃતિ કે અણબનાવ બનશે તો આ માટે ગુડા જવાબદારી રહેશે.
જયારે આવાસ ભાડે આપવાની સામે ખાલી કરાવવા ઝડપથી કાર્યવાહી હાથ ધરાય તે પણ અનિવાર્ય છે. રહીશો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અન્વયે ગુડા દ્વારા કુડાસણની વસાહતમાં ૧ અને સરગાસણની વસાહતમાં બે કીસ્સા પકડવામાં આવ્યા હતા. જયારે આ મામલે નોટીસ પણ આપવામાં આવી હતી.