આવાસ યોજનાના રહેવાસીઓને ઔડા દસ્તાવેજ કરી આપશે
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) ખાતે 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
– ગરીબ વર્ગના લોકોને ફાયદારૂપ નિર્ણય
73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશ આખામાં થઇ રહી છે. તેના ભાગરૂપે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) ખાતે પણ ઔડાના અધ્યક્ષશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઔડાના મુખ્ય કારોભારી અધિકારીશ્રી ડિ.પી.દેસાઇ(આઇ.એ.એસ), અધિક કલેક્ટરશ્રી તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.
ઔડાના ચેરમેનશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, બંધારણની મહત્તા તથા લોકતાંત્રિક મૂલ્યોને ઉજાગર કરવાની સાથે-સાથે ઔડાની કામગીરીને ઉત્તરોતર ઉત્કૃષ્ટ બનાવવાની નેમ છે.
ચેરમેનશ્રીએ ઔડાની કામગીરીની ટૂંકી રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત શહેરી ગરીબો માટે આવાસ બનાવવામાં આવ્યા છે તે અંતર્ગત 22 જેટલી વિવિધ આવાસ યોજનાના 15,256 લાભાર્થીઓને નાણાભરાવી પજેશન આપવામાં આવ્યા છે.
આ આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા ભોગવટાહક પ્રાપ્ત થાય તે માટે દસ્તાવેજ કરી આપવાની રજૂઆત સંદર્ભમાં ઔડા દ્વારા દસ્તાવેજનો મુસદ્દો તૈયાર કરી મંજૂર કરાયેલ છે. આગામી સમયમાં આવાસ યોજનાના રહેવાસીઓને દસ્તાવેજ કરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,
જેનો આવાસ યોજનાના અંદાજે 61,000થી વધુ લોકોને સીધે-સીધો લાભ મળશે અને વધુમાં રાજ્ય સરકારના ઠરાવ મુજબ આ પૈકી વર્ષ 2016 પછી બનાવવામાં આવેલા આશરે 3,600 જેટલા આવાસોના લાભાર્થીઓને ફક્ત રૂપિયા 100(અંકે રૂપિયા પૂરા)ની સ્ટેમ ડ્યૂટી ભરીને દસ્તાવેજ કરાવી શકશે.