Western Times News

Gujarati News

શબ્દોના રસ્તે ચાલી મળતી રહું તને, આશા છે હર જનમમાં મને આ સફર મળે

શબ્દોના રસ્તે ચાલી મળતી રહું તને, આશા છે
હર જનમમાં મને આ સફર મળે
છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો આશા છે કૈંક ક્યાંકથી તારી ખબર મળે.
તારી ખુદાઈ તો જ હું માનીશ ઓ ખુદાઆશા છે
જે પણ મળે એ બરાબર મળે.પ્રેમના ઝરણ ભલે વહી જો જાય તોઆશા છે
નફરત તણી દીવાલ ભેદાય તો.જ્યાં દિલને થાય હાશ, કાશ એવું ઘર મળે
આશા છે જો આ શોધનો છેડો કબર મળે.
‘ કાવ્યાલ્પ ‘ અલ્પા વસા.

શીર્ષક: સ્પર્શની આશ
અજંપા ભર્યા પ્રણયમાં એક આશ તારી નઠારી નીકળી, વચનો વેરાન થયા ત્યારે અશ્રુધારા અંધારી નીકળી,
પાંપણના પલકારા પણ ક્યાં કદી એક થવાના છે, સ્પર્શ ની ઈચ્છા હોય ભલે તોય આશાઓ પાંગળી નીકળી.
પરેશ શાહ સ્પર્શ અમદાવાદ, ૬/૧૦/૨૦૧૯( -આ રચના કોપી રાઈટ હેઠળ છે-)

આશા (વર્ણાનુપ્રાસ)

આશા અમારી,આપના આંતરિક અનેરા અહેસાસોના અંબરને આંબવાની,
ઓજસમય આંખડીમાં અવ્યક્ત અભિવ્યક્તિના અક્સને અનુસરવાની,
આશાભર્યા આયખાની અટારીએથી આવી અણમોલ અહર્નિશ અંતર્નાદની અમી,
અકલ્પ્ય અવર્ણનીય આનંદના અદકેરા અનુભવને અપનાવવાની,
ચેતના ગણાત્રા ‘ચેતુ’ મુંબઈ. ૦૬/૧૦/૨૦૧૯.

 

શિર્ષક-આશા

હું જયારે જ્યારે લખવાનું વિચારું કંઇક
ત્યાં ‘તું’ શબ્દોના પ્રેમ ભર્યા
થોથા લઇ આવી ચડે મારાં વિચારો માં
ને હું લખવા મથી પડું પ્રેમના ઊંડાણમાં જઈ,
તો તું રૂબરૂ જ આવી ચડે,
મુંછ માં મીઠુ મીઠું મલકી મારાં પાલવ ને અડકી
મારાં કાનને ચૂમી જાય
ને હું પ્રસરી જઉં સી તારાં શ્વાસો શ્વાસમાં,
હું ઓગાળી દઉં મને તારાં એ સ્મિતમાં
ને ‘તું ‘પાલવ ઓઢી સૂતો રહે, ને હું
શરમનું શમણું ઓઢી તારાં મારાં પડછાયા
એક કરી લુપ્ત થઈ જઉં,
મારાં સનાતન સુખ ના અધિકારી એવો તું
મને સુંદર કાવ્ય રચાવી દે છે, મારાં અક્ષરો ની મરોડમાં
તારો સુંદર, ઘાટીલો ચહેરો મને કાવ્ય રસ પીરસાવી દે છે,
પ્રેમ ક્રિડા તારી ને, શબ્દો ની કરામત મારી,
જો ને કાવ્ય ને કેવું ઢાળી દે છે.
તને પામી લેવાની આશા મારાં માં જગાડી દે છે.
પારુલ અમિત પંખુડી, ૦૬.૧૦.૨૦૧૯

આશા – એક ગીત

આશા નિરાશા ની કેડી પર ચાલી, માનવી તું અકળાયો,
આ તો ઘડીક છે ધૂપ ને ઘડીક છે છાયો.. (૨)
વિધિનાં લેખ આ તો, ટાળ્યા ટળે નહીં, ભાવી ના ગર્ભમાં શું છૂપ્યુ? કળે નહીં,
સારા ને ખોટા કર્મો માં તું અથડાયો.. આ તો ઘડીક છે ધૂપ ને ઘડીક છે છાયો.. (૨)
વાવશે જે તું, લણશે એ જ તું, ભાગ્ય તારું પોતે ઘડશે જ તું,
વિચારો કેરી આંટી – ઘૂંટીમાં કેમ કરતાં રે ભરાયો..??
આ તો ઘડીક છે ધૂપ ને ઘડીક છે છાયો.. (૨)
આશા – નિરાશાની કેડી પર ચાલી,માનવી તું અકળાયો,
આ તો ઘડીક છે ધૂપ ને ઘડીક છે છાયો.. (૨)
– અંજના

શિષૅક આશા
આશા એક જ એવી કે જેના પર જીવન ટકી રહે,
દર નવો દિવસ નવી ઉમીદ ઉમંગ ઉત્સાહ જગાવી
જીવન માં રંગ પૂરી નવજીવનની આશા વધારે છે.
દશૅના ઠક્કર ૯૩૨૦૯૨૦૬૪૨ મુંબઈ (મુક્તપંચિકા)

શીર્ષક: આશાની દોડ

સરખી સખીઓનો ‘મેળાવડો’ જામ્યો ત્યાં તો,
નિરાશા ખંખેરી ‘આશા’ ભણી દોટ મૂકું છું.
એકબીજાની વાત સાંભળવા ને સંભળાવવા,
‘અંતરની ઊર્મિઓને તાંતણે’ બાંધી દોટ મૂકું છું.
છાના ખૂણે સારેલ આંસુઓનું ‘અંજન’ આંજી,
સૂતેલા ‘શમણાંનાં ખજાના’ ભણી દોટ મૂકું છું.
શબ્દો વચ્ચે અટવાતાં ‘નિઃશબ્દ’ને આકાર આપી,
સ્યાહી વડે ઘૂંટી ‘કાગળ-કલમ’ સંગ દોટ મૂકું છું.
અનુભવનું એક-એક પગથિયું ચડી ધીમા પણ,
મક્કમ મને ‘ધ્યેયનાં શિખર’ ભણી દોટ મૂકું છું
આંખોમાં અરમાનો કંઈ કેટલાય લઈ,
‘હ્રદયની વાત’ કહેવા ‘શબ્દો-સંગાથે’ દોટ મૂકું છું.
પ્રીતિ શાહ (અમી-પ્રીત) ૧૦/૧૦/૧૯

શીર્ષકઃ બાગ
ચાલને વ્હાલા, પ્રેમ વાવીએ, દૈ આશાનું ખાતર
ને સ્નેહવારિ. ખીલશે બાગ.
-નૂતન કોઠારી ‘નીલ’ તારીખઃ ૦૮/૧૦૨૦૧૯

શિર્ષક: મનની બારી
આવીને ચાલી જતું આ સપનું,
દિલને ઝંઝોડી જતું આ સપનું.
સજાવી રાખી છે મેં દિલની મહેફિલને,
દિલને દિલદાર બનાવી જતું આ સપનું.
વહી રહેલી જિંદગીના અગમ્ય પથને,
ઉજાગર કરી સમાવી જતું આ સપનું.
યાદોની વણઝાર જ્યારે જતી હોય છે,
નહીં માણેલી યાદોને પુકારી જતું આ સપનું.
સપનાનાં વાવેતર ઘણાં કર્યાં મેં,
સાચની ફસલને ઉગાડી જતું આ સપનું.
નિરાશાની પાલખીએ લહેરાય જાય છે,
આશાના કિરણને જગાવી જતું આ સપનું.
મનની બારી મેં ઉઘાડી રાખી છે,
સખી આવીને સમાય જતું આ સપનું.
-રેખા પટેલ સખી, વડોદરા.તા. ૧૨-૧૦-૧૯

શીર્ષક:- આશા અમર

આશા અમર જાણી રહી જીવ્યા કરું.
સાચી સમજ નાણી રહી જીવ્યા કરું.
અંતર રડે તો જાગતી સાચ્ચા પણે
માનવ મરમ તાણી રહી જીવ્યા કરું.
આશા જગાવે જોમ હૈયે જાણતી..
મીઠી મમત માણી રહી જીવ્યા કરું.
રાવણ સમાં વાદો બધા કાઢી રહી.
કંટક ડગર કાણી રહી જીવ્યા કરું.
આશા ધરી જીવી શકી હું જીંદગી.
આશા કિરણ દાણી રહી જીવ્યા કરું.
સંજોવતી સોણા નયનમાં.. કોકિલા..
રંગત અજબ લ્હાણી રહી જીવ્યા કરું.
આશા અમર જાણી રહી જીવ્યા કરું.
સાચી સમજ નાણી રહી જીવ્યા કરું..
કોકિલા રાજગોર, ભિવંડી થાના

આશા – અમીકુંભ

નૈરાશ્ય તીરે, કાળમીંઢ જળનો, ઉછળે લોઢ! વિસામું, છેક, ગરક થઇશ? હું રાંક માનવી !
સ્મરું ,મને હા! સમસ્ત જગત રચ્યું તેં યુગ્મ બીજે! એકલ નહીં, અસ્તિત્વ, સૌ તત્વ રમે છે દ્વંદ્વે .
પ્રગટે આશા, નૂતન પ્રભાતે, અંત, નિરાશા નિશ્ચે ! શુભ્ર વાદળ, પુંજ પ્રકાશે ,આશા, તણા પ્રાગટયે
આશા અમૃત- કુંભ છે પૃથ્વી વિશે, જનસંસારે…
-કૌમુદી સોની સુરત ૧૨/૧૦/૨૦૧૯


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.