આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા 11 ધરતી રત્નોને પુરસ્કૃત કરવામાં આવ્યા
અમદાવાદ, આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા જેઓએ પોતાનું જીવન આર્થિક ઉપાર્જનની આશા વગર માનવ સેવા કે સમાજ સેવામાં જોતરી દીધું હોય તેવા 11 ધરતીરત્નોને ધરતી રત્ન પુરસ્કાર દ્વારા નવાજવાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ એવોર્ડ સમારંભ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ધરતી રત્ન એવોર્ડ – 8ના અતિથિ વિશેષ તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરિ અમીન, મુખ્ય સ્પોન્સર શ્રી પી. એસ. પટેલ, આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ આર. એસ. પટેલ, સહિત ટ્રસ્ટના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ધરતી રત્ની એવોર્ડ એનાયત કરવાના પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજ સેવા કે માનવ સેવા કરનારા ધરતી રત્નો સમાજના એવા પુષ્પો છે કે જેઓ તેમના સેવાકીય કાર્ય દ્વારા સમાજને સતત મધમધતો બાગ બનાવવા મથતા હોય છે.
આવા ધરતીરત્નોને પુરસ્કૃત કરી સમાજને રાહ ચીંધવાના કાર્યને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આયોજીત કરવામાં આવે છે કે જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે.
આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ આર એસ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, માનવસેવાના કાર્યોની જરૂરિયાત દરિયા જેટલી વિશાળ છે, જેની સામે માનવસેવકોની સંખ્યા ખૂબ જ સીમિત છે. પરંતુ જે લોકો નિસ્વાર્થભાવે કોઈપણ આર્થિક ઉપાર્જનની અપેક્ષા સિવાય માનવસેવા કે સમાજસેવા કરે છે
તેવા ધરતી રત્નોને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી નવાજવાનો અમારા અભિગમનો મુખ્ય હેતુ દીવે-દીવો પ્રગટે તેમ અનેક સેવકોને ઉત્તમ સેવાકાર્યો કરવાની પ્રેરણા મળે તેનો છે.
સીએ આર એસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ધરતી રત્ન એવોર્ડ માટે કુલ 79 નોમીનેશન આવ્યા હતાં, જેમાંથી કુલ 65 નોમીનેશન માન્ય હતાં. આ ૬૫ નોમીનેશનમાંથી કુલ 11 ધરતી રત્નોને અમારી પસંદગી સમિતિના અધ્યક્ષ જસ્ટીસ શ્રી એસ. એમ. સોની (પૂર્વ જસ્ટીસ, ગુજરાત હાઈકોર્ટ) જાણીતા સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરી
અને સેન્ટર ફોર એન્વાર્યમેન્ટ એજ્યુકેશનના ફાઉન્ડર શ્રી કાર્તિકેય વિ. સારાભાઈએ અલગ-અલગ સેવાકીય કેટેગરી મુજબ પારદર્શક અને ન્યાયી પધ્ધતિએ પસંદ કર્યા હતાં. પસંદ થયેલા તમામ 11 ધરતી રત્નોને ટ્રોફી રોકડ પુરસ્કાર રૂ. 11,000 અને શાલ ઓઢાડીને અભિવાદન કરવામાં આવ્યુ હતું.
આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો. કિરણ સી. પટેલે ધરતી રત્ન એવોર્ડ વિજેતાની આપેલી યાદી આ મુજબ છે. (01) શ્રી નટવરભાઈ ભગવાનભાઈ પટેલ – અમદાવાદ (02) શ્રી વિરેનભાઈ બાબુભાઈ જોશી – અમદાવાદ (03) શ્રી ડો. રાજેન્દ્ર એન. કાબરીયા – ભાવનગર (04) શ્રીમતી શીતલ નીલેશ રાયચુરા – વાપી
(05) શ્રીમતી ત્રિવેણી બાલક્રિષ્ના આચાર્ય – મુંબઈ (06) શ્રીમતી શિલ્પાબેન એ. વૈષ્ણવ – વિરમપુર (07) શ્રી ડો. પ્રહલાદકુમાર બિલવાની – અમદાવાદ (08) શ્રી સૂરસિંહ જવાનસિંહ સોલંકી – અમદાવાદ (09) શ્રી રશ્મીકાંત જમનાદાસ શાહ – અમદાવાદ (10) શ્રી કાદરભાઈ નૂરમહમદ મન્સૂરી – વિસનગર અને (11) શ્રી કિશોરભાઈ બી. ગજેરા – સુરતનો સમાવેશ થાય છે.