આશીષ કુમારની ચીનના બોક્સર સામે ૫-૦થી હાર
ટોક્યો: ટોકિયો ઓલિમ્પિકમાં ભારતને શૂટિંગ, આર્ચરી અને બોક્સિંગમાં મેડલ મળવાની આશા હતી. જાેકે આ ત્રણે રમતમાં ભારતને એક પછી એક નિરાશા હાથ લાગી રહી છે. બોક્સિંગની વાત કરવામાં આવે તો આજે વધુ એક ભારતીય બોક્સર આશીષ કુમાર ઓલિમ્પિકની બહાર થઈ ગયો છે. ૭૫ કિલોગ્રામ મિડલવેઈટ કેટેગરીમાં આજે આશીષનો મુકાબલો ચીનના બોક્સર એરબિએક ટોહેટા સાથે હતો. એરબિએકે આશીષને એક તરફી બનેલા મુકાબલામાં ૫-૦થી હરાવ્યો હતો. આમ એક પણ ગેમ આશીષ જીતી શક્યો નહોતો.
આ સાથે જ ઓલિમ્પિકમાંથી ત્રીજા ભારતીય બોક્સરની એક્ઝિટ થઈ છે. આ પહેલા વિકાસ કૃષ્ણન અને મનીષ પણ પોતાના મેચો હારી ચુકયા છે. હવે ભારતને બોક્સિંગમાં અમિત પંઘલ પાસે જ આશા રહી છે.
આ પહેલા આર્ચરીમાં પણ આજે ભારતની પુરષ ટીમ ક્વાર્ટર ફાઈનલમાં સાઉથ કોરિયાની ટીમના હાથે હારી ગઈ હતી.