આશ્રમ રોડ: સાકાર-7માં ભયંકર આગ: એક વ્યક્તિનું કૂદી પડતાં મોત
અમદાવાદ,
આશ્રમ રોડનાં નહેરુબ્રિજ પાસે સાકાર 7 કોમ્પ્લેકસનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઈલેક્ટ્રીક મીટરની ડકમાં બપોરે 2.30 વાગ્યાનાં સુમારે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેનાં પગલે કોમ્પ્લેક્સની 40 ટકા ઓફીસો આગનાં ધુમાડાની ઝપેટમાં આવી હતી. આ બનાવને પગલે 40થી વધુ લોકો કોમ્પલેક્ષનાં ટેરેસ પર જઇ ચડતા તેઓ ત્યાં જ ફસાઇ ગયા હતાં. આગનાં બનાવને પગલે ડરી ગયેલા યુવકે ચોથા માળેથી છલાંગ લગાવતા તેનું મોત થયું હતું.
આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. જોકે વિકરાળ બનેલી આગના ધુમાડાની અસર સમગ્ર કોમ્પ્લેક્સમાં ફેલાઈ હતી. આગના આ બનાવમાં વસ્ત્રાલ ખાતે વ્રજવિહારમાં રહેતો યુવક જયદીપસિંહ ચાવડા પણ ફસાયો હતો. જયદીપસિંહ તેના મિત્રની ટ્રાવેલ્સની ઓફીસે કામ અર્થે આવ્યો હતો. અચાનક આગ લાગતા ધુમાડાની અસરથી ડરી ગયેલા જયદીપસિંહ એ ચોથા માળેથી નીચે પાર્કિંગમાં ઝપલાવ્યું હતું. જયદીપસિંહને સારવાર માટે લઈ જતાં ફરજ પરના ડૉકટરે મૃત જાહેર કર્યો હતો. પોકિસ અને ફાયરના જવાનોએ 40 જેટલા લોકોને બચાવી લીધા હતાં.