આસામની ગોલ્ડન પર્લ ટીનો ભાવ કિલોના લાખ રૂપિયા
ગુવાહટી, આસામના ચાના બગીચામાં વિશ્વની સૌથી શ્રેષ્ઠ ગુણવત્તાની ચા ઉગે છે, પરંતુ ચાની કિંમત કેટલી હોઈ શકે? અહીં એક એવી ચાનું ઉત્પાદન કરવામાં આવે છે જેની હરાજી એક લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે થઈ છે. આ ચાની પત્તી ગોલ્ડન પર્લ ટી તરીકે ઓળખાય છે અને તે બેસ્ટ ક્વોલિટીની ચા ગણાય છે. તમામ ભારતીયોની સવાર ચાની ચુસ્કી સાથે શરૂ થાય છે અને આપણા દેશમાં ગમે તે ચાર રસ્તા પર ટી સ્ટોલ જાેવા મળે છે.
સામાન્ય રીતે ચાનો ભાવ ૫૦૦ રૂપિયા પ્રતિ કિલોની આસપાસ ચાલે છે. પરંતુ આસામના ગુવાહાટીમાં તાજેતરમાં એક કિલો ચાની પત્તીની હરાજી થઈ હતી જેનો ભાવ ૯૯,૯૯૯ રૂપિયા લગાવાયો હતો. કોઈ પણ ચા માટે આ અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે. આ હરાજી ગુવાહાટીના ટી ઓક્શન સેન્ટર (જીટીએસી)માં લગાવવામાં આવી હતી.
આ આસામના દિબ્રુગઢની સ્પેશિયલ ચા પત્તી છે. આસામ ટી ટ્રેડર્સ દ્વારા ૯૯,૯૯૯ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. આસામ ટી ટ્રેડર્સને આસામની હાઈ સ્પેશિયાલિટી ચાના સૌથી મોટા ખરીદદાર તરીકે ગણવામાં આવે છે.
આ હરાજીમાં ઘણી ટી કંપનીઓએ ભાગ લીધો હતો. પરંતુ ગોલ્ડન પર્લ ટી પર સૌથી ઊંચી બોલી લાગી હતી. અહીં જણાવી જઈએ કે બે મહિના અગાઉ ૧૪ ડિસેમ્બરે ગુવાહાટીના ટી ઓક્શન સેન્ટરમાં મનોહારી ટી એસ્ટેટની મનોહારી ગોલ્ડ ચા પત્તી માટે પણ રૂ. ૯૯,૯૯૯ રૂપિયા પ્રતિ કિલોની બોલી લાગી હતી.
ગોલ્ડન પર્લ ટીની માલિકી એએફટી ટેક્નોટ્રેડ પાસે છે. જીટીએસીના સેક્રેટરી પ્રિયાનુજ દત્તાએ જણાવ્યું કે ગોલ્ડન પર્લ ટી આસામના દિબ્રુગઢ જિલ્લાની નાહોકચુકબારી ફેકટરીમાં તૈયાર થઈ છે.
અગાઉ ઓગસ્ટ ૨૦૨૧માં અરુણાચલ પ્રદેશમાં ડોન્યી પોલો ટી એસ્ટેટની ગોલ્ડન નીડલ અને ડિકોમ ટી ગાર્ડનની ગોલ્ડન બટરફ્લાય ટી માટે પણ ૭૫,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોની બોલી લાગી હતી. જુલાઈ ૨૦૧૯માં ગુવાહાટી ટી ઓક્શન સેન્ટરમાં મનોહારી ગોલ્ડ ટી ૫૦,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. તે સમયે તે સૌથી ઊંચી બોલી હતી.SSS