આસામની મહિલા ડૉક્ટરમાં કોવિડના બે વેરિયન્ટ મળ્યા

નવી દિલ્હી: દેશમાં એક તરફ જ્યાં કોરોના સંક્રમણની ઝડપ વધતી જાેવા મળી રહી છે, તો બીજી તરફ કોરોના વાયરસ ઝડપથી પોતાનું રૂપ બદલી રહ્યું છે. આ દરમિયાન ગુવાહાટીથી કોરોના વાયરસને લઈ ટેન્શન વધારનારા સમાચાર સામે આવ્યા છે.
અહીં એક મહિલા ડૉક્ટરમાં કોરોના વાયરસના બે વેરિયન્ટ એક સાથે મળી આવ્યા છે. ભારતમાં એક સાથે કોઈ દર્દીમાં બે કોરોના વેરિયન્ટ મળવાનો આ પહેલો મામલો માનવામાં આવી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે મહિલા ડૉક્ટર કોરોના વેક્સીનના બંને ડોઝ લઈ ચૂકી છે. મહિલા ડૉક્ટરની તપાસમાં તેમના શરીરમાં અલ્ફા અને ડેલ્ટા બંને વેરિયન્ટ મળી આવ્યા છે.
નોંધનીય છે કે, દુનિયામાં આ પ્રકારે એક જ દર્દીમાં બે કોરોના વેરિયન્ટ મળવાનો પહેલો મામલો બેલ્જિયમમાં જાેવા મળ્યો હતો. બેલ્જિયમમાં ૯૦ વર્ષની મહિલામાં અલ્ફા અને બીટા વેરિયન્ટ એક સાથે સામે આવ્યા હતા. મહિલાએ કોરોના વેક્સીન નહોતી લીધી, જેના કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આસામના જિલ્લામાંનોડલ અધિકારી ડૉ. વિશ્વજ્યોતિ બોરકાકોટિએ એક મીડિયા ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, મહિલા ડૉક્ટરમાં એક સાથે બે કોરોના વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. ભારતમાં આ પ્રકારનો આ પહેલો મામલો હોઈ શકે છે.
ડૉ. વિશ્વજ્યોતિએ જણાવ્યું કે, મહિલા ડૉક્ટરના પતિને કોરોના થયો હતો. પતિ સંક્રમિત થતા જ્યારે મહિલા ડૉક્ટરે પોતાની તપાસ કરાવી તો તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. મહિલા ડૉક્ટરના રિપોર્ટમાં સામે આવ્યું કે તેઓ એક સાથે કોરોનાના આલ્ફા અને ડેલ્ટા બંને વેરિયન્ટથી સંક્રમિત છે. જ્યારે તેમના પતિ માત્ર એક અલ્ફા વેરિયન્ટથી સંક્રમિત છે. મહિલા ડૉક્ટરમાં બે વેરિયન્ટની પુષ્ટિ કરવા માટે ફરી તપાસ કરવામાં આવી છે. અત્યાર સુધીની મળેલી જાણકારી મુજબ, મહિલા ડૉક્ટરને કોરોનાના ખૂબ હળવા લક્ષણ છે. તેમની તબિયત ઠીક છે અને હાલ તેમને હૉસ્પિટલમાં દાખલ નથી કરાયા.