આસામને ડરવાની કોઇ પણ જરૂર નથી : મોદીની ખાતરી
નવી દિલ્હી: નાગરિક સુધારા બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ કરવામાં આવી ચુક્યુ છે. હવે કાનુન બનવાની દિશામાં છે. બીજી બાજુ આસામ અને પૂર્વોતરના કેટલાક રાજ્યોમાં વ્યાપક હિંસા જારી રહી છે. નાગરિક બિલને લઇને જારી હિંસા વચ્ચે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પ્રતિક્રિયા આપી હતી. મોદીએ આજે સવારે પોતે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે આસામ અને અન્યત્ર હિંસા પર ઉતરેલા લોકો શાંતિ જાળવી રાખે તે જરૂરી છે. મોદીએ ખાતરી આપતા કહ્યુ હતુ કે નાગરિક સુધારા બિલથી કોઇને કોઇ નુકસાન થનાર નથી.
મોદીએ આસામની સ્થાનિક ભાષા અને અંગ્રેજીમાં ટ્વીટ કરીને આ મુજબની વાત કરી હતી. મોદીએ આસામના હિતોની સુરક્ષા માટેની વાત કરતા કહ્યુ હતુ કે તેઓ આસામના પોતાના ભાઇ બહેનોને અપીલ કરવા માંગે છે કે નાગરિક સુધારા બિલથી કોઇને કોઇ ચિંતા કરવાની જરૂર નથી. તેઓ તમામ લોકોને ખાતરી આપવા માંગે છે કે આપના અધિકારને કોઇ આંચકી શકે તેમ નથી. ખાસ ઓળખ અને સુન્દર સંસ્કૃતિ કોઇ આંચકી શકે તેમ નથી. તમામ બાબતો પહેલાની જેમ જ ગતિમાન રહેનાર છે.