આસામમાંથી રૂ. આઠ કરોડના 18.5 કિગ્રા સોનાના બિસ્કિટ જપ્ત
આસામ, રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓ અને પોલીસે આસામના કારબી અંગલોંગ જિલ્લામાંથી આઠ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા 18.5 કિગ્રા સોનાના બિસ્કિટ જપ્ત કરી લીધા છે.સોનાના બિસ્કિટ ભરેલી કાર મણિપુરના ઈમ્ફાલથી ગુવાહાટી તરફ જઈ રહી હતી. મધ્ય આસામના કારબી અંગલોંગ જિલ્લામાંથી આઠ કરોડના સોના સાથે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
આસામના રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ પોલીસ સાથે મળીને આ ઓપરેશન પાર પાડયું હતું અને કુલ 18.5 કિગ્રા વજન ધરાવતા સોનાના બિસ્કિટ સાથે બે વ્યક્તિને ઝડપી લીધા હતા. સોનાની હેરાફેરીને લગતી ગુપ્ત માહિતીના આધારે મંઝા ગામ પાસે વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી અને એક વાહનમાંથી સોનાના બિસ્કિટોનો જથ્થો મળી આવ્યો હતો.
એસપી ગૌરવ ઉપાધ્યાયના કહેવા પ્રમાણે તે કાર મણિપુરના ઈમ્ફાલ તરફથી આવી રહી હતી અને ગુવાહાટી તરફ જઈ રહી હતી. સોના સાથે ઝડપાયેલા બંને આરોપી મણિપુરના થૌબલ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.