આસામમાં પુરની સ્થિતિ વધુ વણસી : લાખો લોકોને અસર
નવી દિલ્હી : આસામમાં પુરની સ્થિતિ વધારે ગંભીર બની ગઇ છે. અવિરત વરસાદના કારણે લાખો લોકો પુરના સકંજામાં આવી ગયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પુરના કારણે અસર પામેલા લોકોની સંખ્યા ૨.૦૭ લાખથી વધીને હવે ૪.૨ લાખ સુધી પહોંચી ગઇ છે. છેલ્લા ૧૨ કલાકમાં સ્થિતિ વધારે ગંભીર બની ગઇ છે.
આસામમાં સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સુત્રોએ કહ્યુ છે કે તમામની હાલત ખરાબ થયેલી છે. અસરગ્રસ્ત જિલ્લાની સંખ્યા ૧૧થી વધીને ૧૭ ઉપર પહોંચીગઇ છે. નવેસરના અનેક વિસ્તારો પુરના સકંજામાં આવી ગયા હોવા છતાં કોઇ ખુવારી થઇ રહી નથી. હવે કુલ અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૪૨૩૩૮૬ ઉપર પહોંચી ગઇ છે. આસામમાં અતિ ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. જેથી લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે. જે ૧૭ અસરગ્રસ્ત જિલ્લાઓ રહેલા છે તેમાં ધેમાજી, લખીમપુર, સોનિતપુર, બક્સા, બારપેટા, નાલબેરી, ચિરાંગ અને અન્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે. આસામના ધેમાજી જિલ્લામાં સૌથી વધારે અસર થઇ છે. અહીં ૮૦૦૦૦ લોકોને પુરની અસર થઇ છે. લખીમપુર અને બોન્ગાઇગામમાં પણ ભારે અસર થઇ છે. અ જગ્યાએ ૭૨૦૦૦ લોકો પુરના સંકજામાં આવી ગયા છે.
જે મતવિસ્તારનુ પ્રતિનિધીત્વ મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ કરે છે તે મજાલી દ્ધિપ વિસ્તારમાં ૩૬૦૦૦ લોકોને માઠી અસર થઇ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી ચુકી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએકહ્યુ છે કે ધેમાજીમાં સૌથી વધારે હાલત કફોડી થયેલી છે. મોરીગાવ જિલ્લાના બાલીમુખ ગામમાં કેટલાક મકાનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. આસામમાં છેલ્લા ઘણા દિવસથી ભારે વરસાદ થયો છે. ધેમાજીમાં હાલત કફોડી બનેલી છે. વિધાનસભામાં ધારાસભ્ય તરીકે મજાલીનું પ્રતિનિધિત્વ કરનાર મુખ્યમંત્રીના મતવિસ્તારમાં પણ હાલત કફોડી બનેલી છે. આસામમાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પુરની સ્થિતિ ગંભીર બનેલી છે. બચાવ અને રાહત કામગીરી અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહી છે. લખીમપુરમાં પણ હાલત કફોડી બનેલી છે.