આસામમાં પૂરથી ૨૧ જિલ્લાઓમાં ૩.૬૩ લાખ લોકો અસરગ્રસ્ત

ગુવાહાટી, આસામમાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વણસી છે. ફ્લડ રિપોર્ટિંગ અને ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમના રિપોર્ટ અનુસાર ૨૧ જિલ્લાના ૯૫૦થી વધુ ગામો પૂરથી સંપૂર્ણપણે પ્રભાવિત થયા છે. આસામમાં પૂર અને વરસાદને કારણે ૩,૬૩,૧૩૫ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યએ ૩૦ ઓગસ્ટ સુધી ૪૪ રાહત કેમ્પ ખોલ્યા છે. જ્યાં પૂર પીડિતો આરામથી રહી શકે છે. પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો આસામનો લખીમપુર છે. જ્યાં ૧.૩ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે.
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ ટિ્વટ કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પૂરની સ્થિતિ જાણવા માટે ફોન કર્યો હતો અને આસામને તેનો સામનો કરવા માટે તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. ડેઇલી બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, આસામમાં પૂરની સ્થિતિ ફરી કથળી હતી.
જેમાં ૧૭ જિલ્લાઓમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, બારપેટા જિલ્લાના ચાંગા અને મોરીગાંવના માયોંગમાં એક-એક બાળક પૂરના પાણીમાં ડૂબી ગયા છે. આસામમાં પૂરથી પ્રભાવિત જિલ્લાઓમાં બારપેટા, વિશ્વનાથ, કચર, ચિરાંગ, દારંગ, ધેમાજી, ધુબરી, વગેરેનો સમાવેશ થાય છે. આસામના ૧૪ જિલ્લાઓમાં ૨.૫૮ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા હતા.
આસામના ૧૦ જિલ્લાઓમાં ૪૪ રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં ૩૨૧ બાળકો સહિત ૧,૬૧૯ લોકો આશ્રય લઈ રહ્યા છે. આસામમાં અત્યાર સુધીમાં ૬૨૧.૩૪ ક્વિન્ટલ ચોખા, કઠોળ અને મીઠું, ૫૭૮.૮૨ લિટર સરસવનું તેલ, ૧૦૦ ક્વિન્ટલ પશુ આહાર અને અન્ય પૂર રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.HS