આસામમાં પૂરનો કહેરઃ 24 જિલ્લાઓમાં 2 લાખથી વધુ અસરગ્રસ્તઃ 7નાં મોત

આસામ, આસામમાં પૂરના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. હવે રાજ્યના કછાર, ચરાઈદેવ, દરાંગ, ધેમાજી, ડિબ્રુગઢ અને દિમા હસાઓ સહિત 24 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે કેરળનાં 4 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કર્યું છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના જણાવ્યા અનુસાર, વરસાદ બાદ ભૂસ્ખલન પછી પહાડી જિલ્લા દિમા હસાઓનો રાજ્યનાં બાકીના ભાગ સાથેનો સંપર્ક તુટી ગયો છે. સંદેશાવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. હાફલોંગ તરફ જતા તમામ રસ્તાઓ અને રેલ્વે લાઇન 15 મેથી બંધ કરી દેવામાં આવી છે.
વરસાદને કારણે લાખોનું નુકસાનસતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં રસ્તાઓ, પુલોને નુકસાન થયું છે. પાક નાશ પામ્યો છે. ઘણી નદીઓ ભયજનક નિશાનથી ઉપર વહે છે. પૂરને કારણે કછાર જિલ્લામાં બે મૃત્યુ નોંધાયા હતા, જ્યારે દિમા હસાઓમાં ભૂસ્ખલનને કારણે ત્રણ લોકોનાં મૃત્યુ થયા હતા.
અત્યાર સુધીમાં 20 જિલ્લાના 46 મહેસૂલ વિભાગના કુલ 652 ગામો પૂરથી પ્રભાવિત થયા છે. લોકોને રાહત આપવા માટે સાત જિલ્લાઓ નજીક છે 55 રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે જેમાં 32 હજાર 959 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. એનડીઆરએફ, આર્મી, એસડીઆરએફના જવાનો અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે.