આસામમાં વીજળી પડવાના કારણે ૧૮ જંગલી હાથીઓનાં મોત થયાં
ગોવાહાટી: આસામનાં નગાંવ-કાર્બી આંગલોંગ જિલ્લાની સરહદ પર એક ટેકરી પર ઓછામાં ઓછા ૧૮ જંગલી હાથીઓની લાશ મળી આવી હતી. વનવિભાગ દ્વારા થયેલ મોતની પ્રારંભિક તપાસમાં બતાવવામાં આવ્યું હતું કે જંગલી હાથીઓનાં મોતનું કારણ વીજળી પડવુ હોઇ શકે છે.
આસામનાં મુખ્ય વન સંરક્ષક અમિત સહાયે જણાવ્યું હતું કે, આ ઘટના કુંડટોલી રેન્જમાં કુંડોલી પ્રસ્તાવિત આરક્ષિત જંગલ નજીકનાં ડુંગરાળ વિસ્તારમાં બની છે. તેમણે કહ્યું કે ૧૮ અલગ અલગ જગ્યાએથી ૧૮ હાથીઓની લાશ મળી આવી છે. રાજ્યનાં વન વિભાગનાં ઉચ્ચ અધિકારી અમિત સહાયે જણાવ્યું હતું કે, “એક સ્થળે ચાર હાથી અને ૧૪ અન્ય શબ મળી આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે હાથીઓનું મોત વીજળી પડવાના કારણે થયું છે. વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ અને પશુચિકિત્સકોને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા છે.”
અમિત સહાયે એમ પણ કહ્યું હતું કે, નાંગાવ જિલ્લાનાં ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન અને ડીએફઓ (જિલ્લા વન અધિકારી) ને પણ આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. સહાયે જણાવ્યું હતું કે તેઓ ૧૮ જંગલી હાથીઓનાં મોતનું કારણ શોધવા માટે તપાસ કરશે. આસામનાં વનમંત્રી પરિમલ શુક્લાબેદ્યએ કાઠિયાટોલી રેન્જમાં વીજળી પડવાના કારણે ૧૮ જંગલી હાથીઓનાં મોત પર શોક વ્યક્ત કર્યો હતો. મંત્રી શુક્લાબૈદ્યએ કહ્યું કે, તેઓ શુક્રવારે સવારે પીસીસીએફ (વન્યપ્રાણી) અને અન્ય અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લેશે, આસામનાં મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાનાં નિર્દેશ પર પરિસ્થિતિ કેવી છે તે જાેવા સ્થળનો પ્રવાસ કરશે.