આસામમાં ૫.૨ કિગ્રા વજનના બાળકનો જન્મ
ગોવાહાટી: આસામના કછાર જિલ્લામાં એક મહિલાએ ૫.૨ કિગ્રા વજન ધરાવતા એક બાળકને જન્મ આપ્યો છે. ડૉક્ટર્સ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે આ બાળકે રાજ્યમાં નવજાત શિશુના જન્મ સમયના સૌથી વધારે વજનનો રેકોર્ડ બનાવ્યો છે. ડૉક્ટર્સે જણાવ્યું કે, આ બાળકના જન્મ બાદ અન્ય હોસ્પિટલોમાંથી જાણકારી ભેગી કરવામાં આવી હતી
જેના દ્વારા રાજ્યમાં આનાથી વધારે વજનના બાળકનો જન્મ નથી થયેલો તેની જાણ થઈ હતી.
જાણવા મળ્યા મુજબ સિલચરના કનકપુર પાર્ટ-૨ ક્ષેત્રની રહેવાસી ૨૭ વર્ષીય ગર્ભવતી મહિલા જયા દાસને ૧૭ જૂનના રોજ સતીન્દ્ર મોહન દેવ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાને ડીલિવરી માટે ૨૯ મેના રોજ હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ અમુક કારણોસર તે નિર્ધારિત તારીખે નહોતી આવી શકી.
ડૉ. હનીફ મોહમ્મદ અફસર આલમ શરૂઆતથી જ આ મહિલાની સારવાર કરી રહ્યા છે. મહિલાને ૨૯ મેના રોજ હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ ૨૦ દિવસ મોડાં ૧૭ જૂનના રોજ પ્રસવ પીડા થઈ ત્યારે તે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ મહિલાનું પહેલું બાળક સીઝેરિયનથી હતું માટે તેની છેલ્લી સોનોગ્રાફી પણ નહોતી કરવામાં આવી અને તેને ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવી હતી.
ત્યાર બાદ ચિકિત્સકોની ટીમે સીઝેરિયન ડીલિવરી કરી હતી અને મહિલાએ ૫.૨ કિગ્રા વજન ધરાવતા બાળકને જન્મ આપ્યો હતો. સામાન્ય રીતે જન્મ સમયે બાળકનું વજન ૨.૫થી ૩ કિગ્રા જેટલું હોય છે. હાલ માતા અને બાળક બંને તદ્દન સ્વસ્થ છે. જયા દાસના પહેલા બાળકનું જન્મ સમયનું વજન ૩.૮ કિગ્રા હતું.