આસામ સહિત દેશના અનેક ભાગોમાં હિંસક દેખાવ
નવીદિલ્હી: નાગરિક સુધારા બિલને લઇને દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન અને હિંસા જારી છે. દેખાવો પણ ચાલી રહ્યા છે. લોકસભામાં નાગરિક સુધારા બિલ સોમવારના દિવસે પાસ કરી દેવામાં આવ્યું હતું. બુધવારના દિવસે રાજ્યસભામાં તેને રજૂ કરવામાં આવનાર છે. બીજી બાજુ કોંગ્રે સહિત કેટલીક પાર્ટીઓએ આ બિલના વિરોધમાં દેખાવો જારી રાખ્યા છે. આસામ સહિત ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આ બિલના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યા છે. આસામના ગુવાહાટી અને ડિબ્રુગઢમાં વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ આગની ઘટનાઓ સર્જી હતી. તોડફોડ પણ કરી હતી.
સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા કર્ણાટકે આજે બેંગ્લોરમાં આ બિલની સામે જારદાર દેખાવો કર્યા હતા. પૂર્વોત્તરના રાજ્યોની સાથે સાથે અન્ય કેટલાક હિસ્સાઓમાં પણ વિરોધ પ્રદર્શન જારી છે.
આઝમ ખાને પણ પ્રતિક્રિયા આપી છે. અદનાન સામીએ નાગરિક સુધારા બિલનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું છે કે, મુસ્લિમો પર પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં અત્યાચાર કરવામાં આવતો નથી. નાગરિક સુધારા બિલને લઇને શિવસેનાએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.
આસામમાં વ્યાપક હિંસાના લીધે સ્થિતિ વિસ્ફોટક બની ગઈ છે. તમામ જગ્યાઓ ઉપર સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવામાં આવી છે. હાલમાં એનડીએ ગઠબંધનની પાસે ૧૦૬ રાજ્યસભા સાંસદ છે. જેડીયુ દ્વારા લોકસભામાં બિલનું સમર્થન કરવામાં આવ્યું હતું પરંતુ આને લઇને પાર્ટીમાં બે સુર દેખાઈ રહ્યા છે. જેડીયુ નેતા પ્રશાંત કિશોર આની વિરુદ્ધમાં દેખાઈ રહ્યા છે.
બહુમતિની વાત કરવામાં આવે તો બહુમતિ માટે ૨૪૫ કુલ સીટ ક્ષમતા સામે ૧૨૧ની રહેલી છે. જ્યારે એનડીએની પાસે ૧૦૬ સભ્યો છે. રાજ્યસભામાં આવતીકાલે બિલ રજૂ કરવામાં આવનાર છે. આંકડાકીય ગણતરી યુપીએ અને એનડીએ દ્વારા શરૂ થઇ ચુકી છે.
રાજ્યસભાની ગણતરીની વાત કરવામાં આવે તો એનડીએના સૌથી મોટા પક્ષ ભાજપ પાસે રાજ્યસભામાં ૮૩ સાંસદ છે જ્યારે જનતા દળ યુનાઇટેડ પાસે ૬ સાંસદ છે. બિહારમાં સત્તામાં રહેલી જેડીયુ પાર્ટીએ લોકસભામાં નાગરિક સુધારા બિલનું સમર્થન કર્યું હતું. આ ઉપરાંત એનડીએમાં સામેલ શિરોમણી અકાળી દળના ત્રણ, આરપીઆઈના એક અને અન્ય પક્ષોના ૧૩ સભ્યો છે. નાગરિક સુધારા બિલને લઇને મોદી સરકાર મક્કમતા સાથે આગળ વધી રહી છે. સરકાર બિલને પાસ કરાવવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહી છે. વિરોધ પક્ષોને મનાવવાના પ્રયાસ જારી છે.