Western Times News

Gujarati News

આહુના હિમ્‍મતભાઇએ નેટ ફાર્મિંગ દ્વારા કેપ્‍સીકમની આધુનિક ખેતી કરી અઢળક આવક મેળવી

બે એકર જમીનમાં શાકભાજીની ખેતીની શરૂઆત કરી આજે ૪૪ એકર જમીનના માલિક બન્‍યા

વલસાડ જિલ્લાના એક સામાન્‍ય ખેડૂતની અસામાન્‍ય સફળતા બદલ સરકારે એવોર્ડથી સન્‍માનિત કર્યા

મહેનત અને લગનથી કામ કરવામાં આવે ત્‍યારે જ સફળતાના શીખર ચઢી શકાય છે. આ વાકયને સાર્થક કરતા વલસાડ જિલ્લાના એક સામાન્‍ય ખેડૂતની અસામાન્‍ય સફળતાને ગુજરાત રાજયની વર્તમાન સરકારે એવોર્ડથી સંમ્‍માનિત કર્યા છે. વલસાડ જિલ્લામાં આત્‍મા પ્રોજેકટ અંર્તગત અનેક ખેડૂત ભાઇ-બહેનોને ખેતી અને પશુપાલનમાં વિશિષ્‍ટ સિધ્‍ધી પ્રાપ્‍ત કરવા માટે એવોર્ડથી સન્‍માનિત કરાયા છે જેમાં એક વિશેષ નામ છે- હિમ્‍મતભાઇ મોહનભાઇ માછી.

ઉમરગામ તાલુકાના આહુ ગામના એક સામાન્‍ય આદિવાસી પરિવારમાં જન્‍મેલા હિમ્‍મતભાઇ મોહનભાઇ માછી છેલ્લા ૩૫ વર્ષથી ખેતીકામ સાથે સંકળાયેલો છે. ખેતીકામ પહેલા ગોવામાં માછીમારી કરતા હતા. વર્ષ ૧૯૭૭માં પિતાજીના કહેવાથી ગોવા છોડી ઉમરગામ આવીને વસ્‍યા અને પોતાની બે એકર જમીનમાં પરંપરાગત રીતે ખેતીકામ શરૂ કર્યુ.઼

તેઓ સામાન્‍ય રીતે શાકભાજીની ખેતી કરતા. નવસારી કૃષિ યુર્નિવસીટી દ્વારા યોજાતા અલગ-અલગ કાર્યક્રમો, સેમિનાર વગેરેમાં ભાગ લેતા થયા. આ દરમિયાન અલગ-અલગ પ્રગતિશીલ ખેડૂતોના સંપર્કમાં આવ્‍યા. જેમાં હિમ્‍મતભાઇને નેટ હાઉસમાં થતી ખેતી અને આત્‍મા પ્રોજેકટ વિશે માહિતી મળી. પોતાના જ ગામના એક પ્રગતિશીલ ખેડૂતને નેટ હાઉસમાં સફળતાપૂર્વક ખેતી કરતા જોઇ પોતે પણ નેટ હાઉસમાં ખેતીની શરૂઆત કરવાનો નિર્ધાર કર્યો.

આજે હિમ્‍મતભાઇને નેટ હાઉસમાં સફળતાપૂર્વક ખેતી કરતા ૧૪ વર્ષ થયા છે. આજ સુધી નેટ હાઉસમાં કાકડી, રીંગણ, ટામટા, મરચા અને લગભગ દરેક પ્રકારની શાકભાજીની ખેતી સફળતાપૂર્વક કરી છે.

ઉપરાંત નેટ હાઉસમાં કેપ્‍સીકમની આધુનિક ખેતી કરી અઢળક આવક મેળવવા બદલ આત્‍મા પ્રોજેકટ હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯માં યોજાયેલ કૃષિ મહોત્‍સવમાં બેસ્‍ટ ફાર્મરનો એવોર્ડ પણ મળ્‍યો છે.

હિમ્‍મતભાઇ જણાવે છે કે, કેપ્‍સીકમની ખેતી માટે પ્રથમ હાઇટેકનોલોજીયુકત જી.આઇ.ના મજબુત પાઇપનું નેટ હાઉસ તૈયાર કર્યું. આ પ્રકારના પાઇપનું નેટ હાઉસની કાળજી રાખવામાં આવે તો ૮ થી ૧૦ વર્ષ સારી રીતે ખેતી કરી શકાય છે. ઇન્‍દ્રા જાતના કેપ્‍સીકમના બીયારણ લાવી રોપા તૈયાર કર્યા. ૩ એકરમાં ૨૦ થી ૩૦ દિવસ બાદ જ્‍યારે રોપા ટ્રાન્‍સફર કરવામાં આવે ત્‍યારે ખાતર તરીકે વર્મીકમ્‍પોસ્‍ટ, કોકોપીટનો ઉપયોગ કર્યો. કેપ્‍સીકમની ખેતીમાં શરૂઆતના ગાળામાં જંતુનાશક દવાના છંટકાવની જરૂર પડતી નથી .

જમીનમાં રોપણી કર્યા બાદ ફળ આવવાની શરૂઆત થાય ત્‍યારે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. જેમાં બાયો પેસ્‍ટીસાઇડસ, કોન્‍ફીડોલ, યીનોસાઇટ, પેગાસસ વગેરે જંતુનાશક દવાનો ખપ પુરતો ઉપયોગ કરી ૫૦ થી ૫૫ દિવસ બાદ કેપ્‍સીકમ વીણવાની શરૂઆત કરી શકાય છે. એક એકરમાં ૩૦ થી ૩૫ ટન કેપ્‍સીકમ થયા. જેને વાપી માર્કેટમાં સારા ભાવે વેચવામાં આવ્‍યા.

૩ એકરમાં નેટહાઉસ બનાવવાનો ખર્ચ લગભગ ૫ થી ૬ લાખ થયો હતો. પ્રથમ વર્ષે  ૫ થી ૬ લાખની આવક એક એકરના પાક દ્વારા મેળવી હતી. આમ ૩ એકરનો ખર્ચ ૧ એકરના પાકમાંથી મેળવી નેટ ફાર્મિંગ દ્વારા કેપ્‍સીકમની ખેતી કરી અઢળક આવક મેળવવા બદલ આત્‍મા પ્રોજેકટ હેઠળ બેસ્‍ટ ફાર્મરનો એવોર્ડથી સન્‍માનિત કરાયા છે.

હિમ્‍મતભાઇએ આ રીતે શાકભાજીની ખેતી છેલ્લા ૧૪ વર્ષથી કરી રહ્યા છે. જેની આવક દ્વારા આજે તેઓ ૪૪ એકર જમીનના માલિક છે. આ જમીનમાં નેટ હાઉસ સિવાય આંબા, નારિયેળી વગેરેની વાડીઓ પણ બનાવી છે, જેની પૂરક આવક પણ તેઓ મેળવી રહ્યા છે. કૃષિ યુર્નિવસીટી, આત્‍મા પ્રોજેકટ અને પ્રગતિશીલ ખેડૂતો  સાથે સતત સંપર્કમાં રહી નેટ હાઉસ ફાર્મિંગ બાબતે વિશેષ માર્ગદર્શન મેળવી રહ્યા છે અને અન્‍ય લોકોને પણ આપી રહ્યા છે. હિમ્‍મતભાઇની સફળતા જોતાં વિવિધ કૃષિ યુર્નિવસીટી દ્વારા પ્રગતિશીલ ખેડૂતોની ટીમ, આસપાસના વિસ્‍તારના અન્‍ય ખેડૂતમિત્રો, સગાંસંબંધીઓ અવરનવાર તેમના નેટ હાઉસની મુલાકાતે આવે છે અને તેમના પગલે ખેતી કરવા પ્રેરિત થયા છે. (સંકલનઃ વૈશાલી જે. પરમાર, માહિતી મદદનીશ, વલસાડ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.