આ કેમિકલ કંપનીના પ્રદૂષણથી ૨૧૮ ગામના ૧.૬૦ લાખ લોકોનો જીવ જાેખમમાં
ભરૂચ , ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સ્થિત જીઆઈડીસીમાં રહેલી વીડીસાઈડ અને પેસ્ટીસાઈડનું ઉત્પાદન કરતી કંપની દ્વારા હવા પ્રદૂષણ કરવા અને તેના લીધે આસપાસના ૨૧૮ ગામના ૭૭,૦૦૦ ખેડૂતો સહિત ૧.૬૦ લાખ લોકોને થતી હેરાનગતિ અને મુશ્કેલીઓના સંદર્ભે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સીપીસીબી, જીસીપીબી સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે.
આ કેસની વધુ સુનાવણી ૨૪ એપ્રિલે હાથ ધરાશે. અરજદારની માંગ કરી હતી કે, નિષ્ણાંતોની કમિટી બનાવો અને આ નુકસાન બાબતે તપાસ કરાવો, જવાબદારી નક્કી કરો, પર્યાવરણ સંદર્ભે વિવિધ કોર્ટે આપેલા આદેશનું પાલન કરાવો, ખેતીના પાકને થતા નુકસાનને અટકાવો, આ કંપનીને રિ-લોકેટેડ કરો.
હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, આ કંપની દ્વારા ખેતી માટે ઉપયોગમાં લેવાતા જંતુનાશકનું ઉત્પાદન કરાય છે. જેના લીધે, હવામાં મોટા પાયે પ્રદૂષણ ફેલાય છે અને તેની સાથે સાથે એસિડનું પણ હવામાં ઉત્સર્જન થાય છે.
જેના લીધે, આસપાસના ૨૧૮ ગામડાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉત્સર્જન થતો આ એસિડ હવા મારફતે આ ગામડામાં રહેલા પાક પર પડે છે. આ ઉપરાંત, લીમડો, વડલા, પીપળા સહિતના વૃક્ષોને એ હદે નુકસાન પહોંચાડે છે કે તે સુકાઈ જાય છે.
આ સ્થિતિના લીધે, આ વિસ્તારમાં પર્યાવરણના સંતુલનને પણ મોટી અસર પડી રહી છે. ભૂતકાળમાં આ મુદ્દે અનેક વાર ફરિયાદો થયેલી છે. જિલ્લા કલેક્ટરે આ મુદ્દે કમિટી બનાવેલી, જેને થોડા મહિનાઓ પહેલા રિપોર્ટ આપેલો છે.