આ ગામમાં લોકો ૬-૬ દિવસ સુધી સૂઈ રહે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/kazakhstan-kalachi.jpg)
કાલાચી ગામના લોકોને સતત ૬ દિવસ સૂઈ રહેવાની બીમારી-ઊંઘથી જાગેલા વ્યક્તિને કંઈ યાદ નથી રહેતું
કાલાચી, કઝાખસ્તાનના કાલાચી ગામમાં લોકો એક વિચિત્ર સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ ગામમાં લોકો ૬-૬ દિવસ સુધી સૂઈ રહે છે. આ ઉપરાંત લોકો હિંસક ભ્રાંતિનો ભોગ બનવા અને જાતીય ઈચ્છામાં વધારો થવાની પણ ફરિયાદ કરી રહ્યા છે. બાળકોને પણ આ વિચિત્ર અનુભવ થઈ રહ્યો છે.
તેમને ઊંઘ સ્વપ્નમાં પાંખોવાળા ઘોડા અને સાપ જાેવા મળતા હોવાની ફરિયાદ કરે છે. આ ગામના ૧૬૦ જેટલા લોકોએ વર્ષ ૨૦૧૨થી ૨૦૧૫ દરમિયાન આવો અનુભવ કર્યો હતો. જેથી આ ગામને સ્લીપી હોલો કહેવામાં આવ્યું હતું. ૨૦૧૪માં આ વિચિત્ર ઘટનાની તપાસ કોમસમોલ્સકાયા પ્રવદા નામના અખબારના અહેવાલમાં કરવામાં આવી હતી.
બીમાર વ્યક્તિ પણ સજાગ લાગે, તે ચાલે પણ ખરો. ત્યાર બાદ તે ગાઢ નિંદ્રાધીન થઈ જાય. નસકોરા બોલાવવા લાગે. જ્યારે તે ઉઠે તો તેને કશું યાદ રહેતું નથી. બીમાર વ્યક્તિને ઊઠ્યાના તુરંત બાદ સંભોગ માણવાની તીવ્ર ઈચ્છા થાય છે. આ ગામ નજીક સોવિયત કાળની યુરેનિયમ ખાણ હોવાના કારણે વિચિત્ર સમસ્યાને લઈ અનેક જાતજાતની વાતો થાય છે. ઝેરી પાણી, ડોજી વોડકાથી લઈને સામૂહિક હિસ્ટરીયા સુધીના તુક્કા લગાવવામાં આવે છે.
આ સમસ્યા વધતા તંત્રએ આ બાબત પર ધ્યાન દેવાનું શરૂ કર્યું. ત્યાર બાદ કઝાખસ્તાન સરકારે નિવેદનમાં કહ્યું કે, પાણીમાં કાર્બન મોનોકસાઈડનું ઝેરી સ્તર હોવાથી આ સમસ્યા ઉદભવી રહી છે. આ સમસ્યા બાદ કાલાચીના અનેક પરિવારને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કરાયેલા પરીક્ષણમાં ફલિત થયું કે, આ પાણીમાં સામાન્ય કરતા ૧૦ ગણું કાર્બન મોનોકસાઇડ હતું.
જાેકે, પાણીમાં કાર્બન મોનોકસાઇડ હોવાથી આ સમસ્યા ઉદભવતી હોવાની વાત પર પણ શંકા વ્યક્ત થઈ હતી. કઝાકિસ્તાનની નઝરબાયેવ યુનિવર્સિટીના પ્રોફેસર બાયરોન ક્રેપ પણ આવા દાવાઓથી અસંમત થયા હતા. તેમના સંશોધનમાં કાર્બન મોનોક્સાઇડ આ બીમારી પાછળ મૂળ કારણ ન હોવાનું સામે આવ્યું હોવાનું તેમનું કહેવું હતું.
તેમનું માનવું હતું કે, નકામા યુરેનિયમ ખાણોમાંથી નીકળતાં ‘રસાયણો’ ભૂગર્ભ વોટર પમ્પના પાણીમાં આવ્યા, જે આ સમસ્યા પાછળનું કારણ છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે માત્ર ૧૨૦ પરિવારો જ કાલાચી ગામમાં રહે છે. તેઓ સામાન્ય લોકોની જેમ સુઈ જાય છે. હવે તેમનામાં વિચિત્ર વર્તનના કોઈ લક્ષણો જાેવા મળતા નથી.