Western Times News

Gujarati News

આ છે તાજેતરમાં 233 કરોડના ખર્ચે નર્મદા નદી પર બનેલા અશા માલસર બ્રિજ તરફ જવાનો રસ્તો

નર્મદા નદી પર નવા અશા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું ઈ – લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું હતુ.

વડિયાથી માલસર બ્રિજને જોડતો માર્ગ બિસ્માર: વાહનચાલકો પરેશાન

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના વડીયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે,જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આશરે રૂપિયા ૨૩૩ કરોડના ખર્ચે નર્મદા નદી પર નવા અશા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું ઈ – લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું હતુ. The road connecting Malsar Bridge to Vadiya Temple in Jhaghadiya Taluka of Bharuch District

બ્રીજ ખુલ્લો મુકાયાને પણ ખાસો એવો સમય વિતવા છતાં હજું ઉમલ્લા તરફથી બ્રિજને જોડતા મુખ્ય માર્ગ પર પૂરતું ધ્યાન જવાબદાર તંત્ર દ્વારા રાખવામાં આવ્યું નથી, અને હાલમાં આ માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે.ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તરફથી ડભોઈ – વડોદરા તરફ જવા આ પહેલા રાજપીપલા થઈને પોઈચા નજીકના બ્રિજ પર થઈને જતા માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હતો.

રાજપારડીથી વાયા રાજપીપલા થઈને ડભોઈ જવા માટે જે અંતર વાહન ચાલકોએ કાપવુ પડે તેમાં અસા માલસરના નવા બ્રિજ પર થઈને જતા ૧૫ કિલોમીટર જેટલું અંતર ઓછું થાય છે. માલસર બ્રિજ બનતા ઝઘડિયા રાજપારડી ઉમલ્લા પંથકના વાહન ચાલકો માટે ડભોઈ – વડોદરા તરફ જવાનો એક ટુંકો માર્ગ ઉપલબ્ધ બનતા લોકોમાં ખુશી ફેલાઈ હતી.

પરંતું ઉમલ્લા પાણેથા વચ્ચેના વડિયાથી માલસર બ્રિજ સુધીનો માર્ગ હાલ બિસ્માર હાલતમાં હોઈ લોકોને મળેલ આ મહત્વની સુવિધા હાલ તો જાણે દુવિધા બની ગઈ હોય એમ લાગે છે! વડીયા મંદિરથી બ્રિજ ને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી.

આ વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્ય પણ આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ માર્ગ પર પડેલ ખાડાઓ અવર જવર કરતા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે અને મુશ્કેલીરૂપ બની રહ્યા છે.ઉપરાંત ખરાબ રસ્તા ને કારણે નાનામોટા અકસ્માતો થવાની દહેશત પણ રહેલી છે.

વળી બિસ્માર માર્ગને લઈને પસાર થતાં વાહનોના કારણે ધૂળની ડમરીઓ ઉડતા માર્ગની આજુબાજુમાં આવેલા અસંખ્ય ખેતરોના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે,તેમજ આને લઈને મોટા વાહનોની પાછળ જતા બાઈક ચાલકોની હાલત પણ અત્યંત કફોડી થઈ જતી હોય છે. આ મહત્વના માર્ગનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.