આ જ રીતે ભાવ વધશે તો ડિસેમ્બરમાં એક લિટર પેટ્રોલ 275 રૂપિયે મળશેઃ અખિલેશ
નવી દિલ્હી, રશિયા અને યુક્રેનના યુધ્ધના કારણે ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આગ લાગી છે. રોજે રોજ તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
છેલ્લા 12 દિવસમાં 10 વખત પેટ્રોલ તેમજ ડિઝલના ભાવ વધી ચુકાય છે અને તેના પગલે સરકાર પર તમામ વિપક્ષો નિશાન સાધી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે એક ડગલુ આગળ વધીને પેટ્રોલ ડિઝલના ભાવની આગાહી પણ કરી નાંખી છે.
અખિલેશે કહ્યુ છે કે, લોકો કહે છે કે, રોજના 80 પૈસા લેખે ભાવ વધી રહ્યા છે. આ હિસાબે એક મહિનામાં પેટ્રોલના ભાવ 24 રૂપિયા વધશે અને આજ રીતે ભાવ વધારો ચાલુ રહ્યો તો આગામી ચૂંટણીઓ કે જે નવેમ્બર ડિસેમ્બરમાં થવાની છે ત્યાં સુધીમાં પેટ્રોલનો ભાવ વધીને 275 રૂપિયા થઈ જશે. આ છે ભાજપની મોંઘાવારીનુ ગણિત.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા ભાવ વધારાના પગલે પેટ્રોલ અને ડિઝલના ભાવ હવે તમામ શહેરોમાં સેન્ચુરી ફટકારી ચુકયા છે.