Western Times News

Gujarati News

આ તારીખથી શરૂ થશે ધો.10 અને 12ની બોર્ડ પરિક્ષા

પ્રતિકાત્મક

ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની બોર્ડ પરિક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આગામી 11મી માર્ચથી 26મી માર્ચ સુધી આ પરીક્ષા યોજાશે. અને તે અંતર્ગત વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલ ધો.10ની પરીક્ષાનો સમય સવારે 10 થી બપોરે 1-15 વાગ્યા સુધીનો રહેશે ત્યારે ધો.12ની ઉત્તર બુનિયાદી અને વ્યવસાય લક્ષી પ્રવાહની પરીક્ષાનો સમય બપોરે 3 થી 6-15 સુધીનો રહેશે. ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય સવારનો જ રહેશે.

બોર્ડની માર્ગદર્શિકામાં એમ જણાવવામાં આવ્યું છે કે પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ નિરર્ધાતી સમય કરતાં અડધો કલાક વહેલું આવવું પડશે. જ્યારે બાકીના દિવસોમાં 20 મીનીટ વહેલું આવવાનું રહેશે. સાહિત્ય-પુસ્તક, ગાઇડ, મોબાઇલ ફોન ડીઝીટલ ઘડીયાળ જેવા સાધનો પરીક્ષા ખંડમાં લઇ જવાની મનાઇ રહેશે. કોમ્પ્યુટર, સંગીત જેવા વિષયોની પરીક્ષા શાળાકીય કક્ષાએ જ લેવાની રહેશે. અને તેના પરિણામ તા.7-3-2024 સુધીમાં શિક્ષણ બોર્ડને ઓનલાઇન પહોંચાડવાના રહેશે.

વિદ્યાર્થીઓને સવારે 10 થી 10-15 સુધીનો સમય પ્રશ્નપત્ર વાંચવા માટે આપવામાં આવશે જ્યારે 10-15થી 1-15 સુધી ઉત્તરવહી લખવાનો સમય રહેશે. રાજ્ય સરકારે ચાલુ વર્ષથી જ બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્ર સહિતના માળખામાં ફેરફાર કરવાનો મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે અને પ્રથમ વખત આગામી પરિક્ષા લેવાનાર છે જ્યારે વિદ્યાર્થીઓને ઘણી રાહત મળી રહેવાની શક્યતા છે.

ધો.10માં પ્રથમ પરીક્ષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી જેવી ભાષાની રહેશે. ત્યારબાદ ગણિત, સામાજીક વિજ્ઞાન, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી જેવી ભાષાની રહેશે. ધો.12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ પેપર સહકાર પંચાયતનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધો.10 અને 12ની પરીક્ષામાં રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ બેસતા હોય છે અને પરીક્ષા આપતા હોય છે. શિક્ષણ બોર્ડ તથા રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાને લગતું એકશન પ્લાન બનાવવામાં આવતો હોય છે. વિદ્યાર્થીઓ માનસિક તનાવ વિના જ પરીક્ષા આપી શકે તે દિશામાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે. સાથોસાથ હવે વૈકલ્પીક અને વર્ણનાત્મક પ્રશ્નોની સંખ્યામાં બદલાવ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.