Western Times News

Gujarati News

આ તે સાચો પ્રેમ.પતિની વિદાયના ૨ કલાકમાં પત્નીએ પણ ત્યજ્યા પ્રાણ

નીમચ: મધ્ય પ્રદેશના નીમચ જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેના વિશે જાણીને કઠણ કાળજાની વ્યક્તિનું પણ હ્રદય હચમચી ઉઠે. જાવદ તહસીલના ગોઠા ગામમાં પતિ પત્નીના અમર પ્રેમનું જીવંત ઉદાહરણ જાેવા મળ્યું. પતિ જે આંગણામાં પત્નીને પરણીને લાવ્યો હતો તે જ આંગણેથી બંનેની અર્થી પણ એક સાથે જ નીકળી અને એક સાથે તેમની ચિતાને મુખાગ્નિ આપવામાં આવી. આ દરમિયાન ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ.

વાત જાણે એમ છે કે જાવદ તહસીના ગોઠા ગામના રહીશ ૮૫ વર્ષના શંકર ધોબીનું રવિવારે મોત નિપજ્યું. તેમની પત્ની વસંતીબાઈ બોલી શકતા નહતા. જ્યારે તેમના પુત્રએ ઈશારામાં વાત જણાવી કે તેમના પતિ હવે આ દુનિયામાં નથી ત્યારે જાણ થતા જ બે કલાકની અંદર તેમનું પણ મોત નિપજ્યું.

વૃદ્ધ દંપત્તિના પુત્ર બદ્રીલાલે જણાવ્યું કે જ્યારે તેમણે માતાને પિતાજીના મોત અંગે જણાવ્યું તો તેઓ સાંભળતા જ રોવા લાગ્યા હતા. આ દરમિયાન તેમની પાસે જ ઘરની કેટલીક મહિલાઓ બેઠી હતી. પરંતુ બે કલાક બાદ અચાનક તેઓ સૂઈ ગયા તો ઉઠ્‌યા જ નહીં. જ્યારે આસપાસની મહિલાઓએ તેમને ઉઠાડવાની કોશિશ કરી તો ત્યારે તેમનું મોત થઈ ચૂક્યું હતું. ત્યારબાદ શંકર અને તેમના પત્ની વસંતીબાઈની અર્થી એક સાથે ઉઠી, બંનેની ચિતા એક સાથે સળગાવવામાં આવી.

શંકરના પુત્રએ જણાવ્યું કે ઉમરના આ પડાવમાં પણ તેમના માતા પિતા ક્યારેય એકબીજા વગર રહ્યા નહતા. પુત્રોનું કહેવું હતું કે કોઈ પણ કાર્યક્રમમાં કે ક્યાંય પણ જવાનું હોય તો માતા પિતા આ ઉંમરે પણ સાથે જ રહેતા હતા. બંને એક સાથે જ જતા હતા. આવામાં તેમણે પોતાની અંતિમ સફર પણ એક સાથે જ કરી. શંકર અને તેમના પત્નીની અંતિમયાત્રામાં આખુ ગામ સામેલ થયું. બંનેએ જે પ્રકારે પ્રાણ છોડ્યા તેના વિશે સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે. બંનેના પાર્થિવ શરીર પર શ્રદ્ધા સુમન અર્પણ કરીને ગાવવાળાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન લોકોની આંખો ભીની થઈ ગઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.