આ તો જીવે છે કહી સ્વજનો મૃતદેહ સ્મશાનેથી પરત લાવ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/01-3-1024x576.jpeg)
Files Photo
રાજકોટ: રાજકોટમાં એક અજીક કિસ્સા સામે આવ્યો છે. જેમાં કોરોના સંક્રમિત દર્દી જીવિત હોવાનો ભ્રમ થયા બાદ સ્વજનો તેને સ્મશાનથી હૉસ્પિટલ પરત લાવ્યા હતા. અહીં તપાસ બાદ હૉસ્પિટલ ખાતે હાજર તબીબોએ રાજેન્દ્રસિંહ જાડેજા નામના વ્યક્તિને ફરી વખત મૃત જાહેર કર્યો. જે બાદમાં ફરીથી મૃતકની ડેડબોડીને અંતિમવિધિ માટે મોટા મોવા સ્મશાન ખાતે મોકલી આપવામાં આવી હતી.
ડૉક્ટરે બીજી વખતે મૃત જાહેર કરતા જ પરિવારમાં પોતાનું સ્વજન જીવિત હોવાની જે આશા જન્મી હતી તે ફરીથી મરી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલનાં કોવિડ સેન્ટરમાં મોડી રાત્રે કોરોના સંક્રમિત રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા નામના ૪૩ વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીના સગા-સંબંધીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને અંતિમવિધિ માટે રામનાથપરા મુક્તિધામ ખાતે મોકલવામાં આવ્યો હતો.
દરમિયાન રામનાથપરા મુક્તિધામ ખાતે મૃતકનાં સગા-સંબંધીઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. આ સમયે પરિવારજનોને મૃતક વ્યક્તિ જીવિત હોવાનો ભ્રમ થતાં તેના મૃતદેહને ફરી પાછો સિવિલ હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ સમયે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા મૃતકનાં મૃતદેહને તપાસી તેને ફરી એક વખત મરણ પામેલો જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રકારની ઘટનાની જાણ થતા ડૉક્ટર કિયાડા સહિતના અધિકારીઓ હૉસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
આ સમયે મૃતકના સ્વજનોને તબીબોએ જણાવ્યું હતું કે, આ રીગોર મોર્ટીસે પોસ્ટમર્ટમ પરિવર્તન છે. જેના પરિણામે તેમના માયોફિબ્રિલ્સમાં રાસાયણિક ફેરફારને કારણે શરીરના સ્નાયુઓમાં કેટલીક વખત સખ્તાઈ આવતી જાેવા મળે છે. જેના કારણે પરિવારજનોને પોતાનું મૃત્યુ પામેલ સ્વજન જીવિત હોવાનો ભ્રમ થાય છે. દરમિયાન મૃતદેહને ફરી વખત અંતિમવિધિ માટે સ્મશાને મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ રામનાથપરા મુક્તિધામની જગ્યાએ મૃતદેહની અંતિમવિધિ મોટા મોવા સ્મશાન ખાતે થઈ હતી.