આ દેશમાં ગરમીએ તોડ્યો રેકોર્ડઃ તાપમાન ૪૮ ડીગ્રીએ
દુનિયાના બીજા ઘણા અન્ય દેશોમાં ભારે ગરમી
નવીદિલ્હી, ભારતમાં ગરમી દસ્તક આપી ચૂકી છે. દુનિયાના બીજા ઘણા અન્ય દેશોમાં ભારે ગરમી પડી રહી છે. પરંતુ આફ્રીકાના માલીમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
બીબીસીના રિપોર્ટ અનુસાર પરિસ્થિતિ એટલી મુશ્કેલ છે કે દેશના કેટલાક ભાગમાં હવે બરફના ટુકડાની કિંમત બ્રેડ અને દૂધ કરતાં વધુ છે. રાજધાની બમાકોમાં ૧૫ વર્ષીય ફાતૂમા યાતારા કહે છે કે ‘હું બરફ ખરીદીને આવી છું કારણ કે અત્યારે ગરમી વધુ છે.’ તાપમાન ૪૮સી સુધી વધી ગયું છે.
ભયંકર ગરમીમાં લાંબા લાંબા વિજકાપે લોકોની પરેશાનીઓને વધુ વધારી દીધી છે. ફાતૂમા જણાવે છે કે લાંબા સમય સુધી વિજ કાપના લીધે ફ્રીજ કામ કરતું નથી. તે ભોજનને પ્રિજર્વ રાખવા અને હીટવેવ દરમિયાન ઠંડુ રાખવા માટે બરફના ટુકડાનો સહારો લે છે. જોકે આ કેટલીક હદ સુધી કામ કરે છે. ગરમીની સાથે મોંઘવારી પણ લોકોની કમર તોડી રહી છે.
ફાતૂમા જણાવે છે કે બરફની એક નાની બેંગની કિંમત ૩૦૦ થી ૫૦૦ ફ્રેક્સ સીએફએ સુધી પહોંચી ગઇ છે. જ્યારે બમાકોમાં બ્રેડની કિંમત ૨૫૦ સીએફએ હોય છે. નાના કોનાતે ત્રાઓરે માટે જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. હવે તેઓને અઠવાડિયામાં થોડી વારને બદલે દરરોજ રસોઈ કરવી પડે છે. તેણી કહે છે, ‘અમે ઘણીવાર આખો દિવસ વીજળી વિના વિતાવીએ છીએ, તેથી ખોરાક બગડે છે અને તેને ફેંકી દેવો પડે છે.’
દેશમાં વીજળીની સમસ્યા એક વર્ષ પહેલા શરૃ થઈ હતી. લાખો ડોલરના દેવાના બોજથી દબાયેલી માલીની રાજ્ય વીજળી કંપની વધતી માંગને પહોંચી વળવામાં નિષ્ફળ રહી. એવા લોકો મોટી સંખ્યામાં છે જેમની પાસે બેકઅપ જનરેટર નથી કારણ કે તેમને ચલાવવા માટે ઇંધણની જરૃર પડે છે, જે ખૂબ ખર્ચાળ છે.બીબીસીના રિપોર્ટ અનુસાર માર્ચ બાદથી માલીના કેટલાક ભાગમાં તાપમાન ૪૮ઝ્ર થી ઉપર જતું રહ્યું છે.
ભયંકર ગરમીના લીધે ૧૦૦થી વધુ લોકોના મોત થઇ ગયા છે. સૌથી વધુ અસુરક્ષિત વડીલો અને બાળકો છે. બમાકોમાં યૂનિવર્સિટી હોસ્પિટલમાં કામ કરનાર પ્રોફેસર યાકૂબા ટોલોબા કહે છે, ‘અમે એક દિવસમાં લગભગ ૧૫ લોકો હોસ્પિટલમાં ભરતી થતા જોઇ રહ્યા છીએ. ઘણા દર્દી ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની કમી) નો શિકાર છે
જ્યારે ઘણા ખાંસી અને શ્વાસ સંબંધિત અન્ય તકલીફોનો સામનો કરવો પડે છે. સાવધાનીના ભાગરૃપે કેટલાક વિસ્તારોમાં સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે અને મુસ્લિમ વસ્તીવાળા દેશમાં લોકોને તાજેતરમાં ખતમ થયેલા રમઝાન દરમિયાન રોઝા ન રાખવાની સલાહ આપવામાં આવી હતી.