આ ભારતીય ક્રિકેટરને પાકિસ્તાનથી આવતી હતી ચિઠ્ઠીઓ, પાક ખેલાડી જ બનતો હતો ‘ટપાલી’
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન ક્રિકેટમાં ભલે એકબીજાના કટ્ટર હરીફ હોય પણ બંને ટીમોના ખેલાડીઓના ફેન્સ બંને દેશોમાં છે. ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીએ એ વિશે ખુલાસો કર્યો છે કે, કેવી રીતે તેને પાકિસ્તાનમાં રમવા જવા પર સન્માન મળતું હતું અને એક ફેન્સ તેને વરસો સુધી પત્રો મોકલતો રહ્યો. તેણે જણાવ્યું કે, ‘જ્યારે અમે પાકિસ્તાન ગયા ત્યારે અમારી સાથે ખૂબ સારો વ્યવહાર કરવામાં આવ્યો. મારો એક ફેન છે જે ૧૯૯૧માં મારી કરિયરની શરૂઆતથી જ મને ફાૅલો કરતો હતો. તે કરાંચીથી હતો.’
પૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું કે, ‘તે મને પત્ર મોકલતો હતો કારણ કે, તે સમયે મોબાઈલ નહોતા, કોઈ ફોન નહોતો. એટલે તે પત્રોના માધ્યમથી પોતાને વ્યક્ત કરતો હતો.’ કાંબલીએ રાશિદ લતીફ ‘પોસ્ટમેન’ ગણાવતા કહ્યું કે, ‘તમે વિશ્વાસ નહીં કરો કે પાકિસ્તાની ક્રિકેટર રાશિદ લતીફ તે પત્રો મારા સુધી પહોંચાડતો હતો.’
મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નજીકના મિત્રો પૈકીના એક કાંબલીએ જણાવ્યું, તે (ફેન) રાશિદ લતીફ જાેડે જતો હતો અને પોતાના તમામ પત્રો તેને આપી દેતો હતો. જ્યારે રાશિદ અહીં આવતો ત્યારે હું તે પત્રો તેની પાસેથી લઈ લેતો. તેણે કહ્યું કે, પાકિસ્તાનમાં તેના ફેનનું મોત થયું નથી.
તેણે કહ્યું કે, ‘જ્યારે હું રમી રહ્યો હતો ત્યારે પણ અને જ્યારે મેં નિવૃત્તિ લીધી ત્યારે પણ પાકિસ્તાનમાં મારું ફેન ફાૅલોઈંગ છે.’ ઉલ્લેખનીય છે કે, કાંબલીએ ભારત માટે ૧૭ ટેસ્ટ રમી છે, જેમાં તેણે ૫૪.૨૦ની એવરેજથી ૧૦૮૪ રન બનાવ્યા જ્યારે વન-ડેમાં તેણે ૩૪થી વધુની એવરેજથી ૨૪૭૭ રન બનાવ્યા.
જણાવી દઈએ કે, સચિન અને કાંબલી સ્કૂલમાં એકસાથે ક્રિકેટ રમતા હતા અને પછી ભારતીય ટીમમાં પણ લગભગ એકસાથે જ એન્ટ્રી કરી હતી. જાેકે, કાંબલીનું કરિયર અપેક્ષાનુસાર લાંબુ ચાલી શક્યું નહોતું.