આ મહિનાના અંત સુધીમાં ભારતમાં પણ કોરોના વેક્સિનના ઉપયોગને મંજૂરી મળી શકે
નવી દિલ્હી, આ મહિનાના અંત સુધીમાં ભારતમાં પણ કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી શકે છે તેવી આશા એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ વ્યક્ત કરી છે.
તેમણે કહ્યુ હતુ કે, આ મહિનાના અંતમાં અથવા તો જાન્યુઆરી મહિનાના પ્રારંભમાં સરકાર આ માટે મંજૂરી આપી દેશે.ઉલ્લેખનીય છે કે, બ્રિટને ફાઈઝરની વેક્સિનને આ પ્રકારના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપેલી છે.
તેમણએ કહ્યુ હતુ કે, ભારતમાં પણ કોરોનાની કેટલીક વેક્સિનની ટ્રાયલ હવે પૂરી થવાના આરે છે ત્યારે ભારતમાં પણ ડ્રગ કંટ્રોલર દ્વારા તેના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી અપાઈ શકે છે.એ પછી લોકોને વેક્સિન આપવાનુ શરુ કરાશે.આપણી પાસે એ વાતને સાબિત કરતા પૂરતા ડેટા છે કે, વેક્સિન સેફ છે અને સુરક્ષા સાથે કોઈ સમાધાન કરાયુ નથી.
ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈના એક સ્વયંસેવકે કોવિશિલ્ડ વેક્સિનના કારણે આડ અસર થઈ હોવાનો આક્ષેપ મુકીને વળતર માંગ્યુ હતુ.આ સંદર્ભમાં ગુલેરિયાનુ કહેવુ છે કે, આ વેક્સિન અત્યાર સુધીમાં 70000 જેટલા સ્વયંસેવકોને આપવામાં આવી છે અને કોઈના પર પણ તેની કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.આ સંજોગોમાં વેક્સિનને હાલના તબક્કે સુરક્ષીત ગણાવી શકાય તેમ છે.