આ મહિના સુધીમાં ભારતમાં આવી જશે કોરોનાની વેક્સિન, એક કરોડ ડોઝ તૈયાર

નવીદિલ્હી, ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોના વેક્સિનને લઈને બીજા તબક્કાની ટ્રાયલ પૂરી થયાના સારા સમાચાર આપ્યા છે. હવે દેશમાં પણ કોરોના વાઈરસની વેક્સિનને લઈને સારા સમાચાર સાંભળવા મળ્યા છે. ઓક્સફોર્ડની આ જ વેક્સિનનું ભારતમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. આ દિશામાં સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાએ અત્યારથી જ વેક્સિન બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના વડા અદાર પુનાવાલાએ જણાવ્યું હતું કે આ વેક્સિનમાં ર૦૦ મિલિયન ડોલરને લગાવવાનું કામ એક જ ઝટકામાં કરી દેવામાં આવ્યું છે. આ વેક્સિન નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં ભારતમાં આવી જશે અને ભારતમાં તેની કિંમત રૂ.૧,૦૦૦ની આસપાસ હશે.
દેશમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આ વેક્સિનના ઉત્પાદનનું કામ કરી રહી છે. જાણકારી અનુસાર આ વેક્સિનના એક કરોડ ડોઝ બનીને તૈયાર છે. નવેમ્બર સુધી ઓક્સફોર્ડની વેક્સિનના અંતિમ પરિણામ આવવાની આશા છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટના કાર્યકારી ડાયરેક્ટર ડો. રાજિબ ઢેરેએ કહ્યું કે, અમે મોટા પાયે વેક્સિનનું ઉત્પાદન કર્યું છે. હાલમાં વેક્સિન માત્ર સપ્લાઈ કરવામાં આવનારી શીશીઓમાં ભરવાની બાકી છે. અમને આશા છે કે, ડિસેમ્બર સુધી કોરોનાની વેક્સિન બની શકે છે. ડો. ઢેરેએ આગળ કહ્યું કે, અમે દર સપ્તાહે કોરોનાની વેક્સિનના લાખો ડોઝ તૈયાર કરવાના છીએ. આવનારા સમયમાં ઓક્સફોર્ડવાળી વેક્સિનના અબજો ડોઝ અમે તૈયાર કરી લેશું. તેમણે કહ્યું કે, એક વખત અમે ભારત સરકારને સુરક્ષા અને ક્લિનિકલ ટ્રાયલનો ડેટા આપીશું તો નવેમ્બર સુધી અમને લાઇસન્સ મળી જશે.
સિરમ ઇન્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ આદર પુનાવાલાએ જણાવ્યું હતું કે કંપનીએ ૨૦ કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. આ નિર્ણય લેવામાં માત્ર અડધા કલાકનો સમય લાગ્યો હતો. આદર પુનાલાવાલા અનુસાર વેક્સિનની બજારમાં કિંમત અંદાજે રૂ.૧,૦૦૦ આસપાસ હશે. પોતાના નિર્ણય વિશે તેમણે કહ્યું કે, દેશની સેવા કરવી સૌથી મોટું કર્તવ્ય હોય છે. આ નિર્ણયથી દેશનું ભલું થશે. જણાવીએ સિરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથી મોટી વેક્સિન બનાવતી કંપની છે. આ સપ્તાહે ધી લેન્સેટ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલ આ વેક્સિનના પરિણામોમાં જણાવાયંુ છે કે વેક્સિનના પ્રથમ તબક્કાના પરીક્ષણમાં સારી પ્રતિક્રિયા મળી છે અને કોઇ પણ ગંભીર આડઅસરનો સંકેત મળ્યો નથી અને વેક્સિન કોરોના વાઇરસ સામે એન્ટી બોડી બનાવી રહ્યું છે. પુનાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં ઓગસ્ટમાં ત્રીજા તબક્કાનું પરીક્ષણ પૂરું થઇ જવાની અમને ખાતરી છે અને નવેમ્બર સુધીમાં વેક્સિન તૈયાર થઇ જશે. ભારતના લોકો માટે સિરમ ઇન્સ્ટિટયૂટમાં નિર્મિત કોવિશિલ્ડ વેક્સિનનો અડધો સ્ટોક તૈયાર કરવામાં આવશે. એનો અર્થ એ થયો કે દર મહિને ૬૦ મિલિયન વેક્સિનની બોટલમાંથી ભારતને ૩૦ મિલિટન બોટલ મળશે.