આ મહિને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ઘરે બેઠા લેવાશે પરીક્ષા
અમદાવાદ: એક તરફ જ્યાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની તમામ કોલેજોની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી હતી. તો બીજી તરફ સરકારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે.
રાજ્યના શિક્ષણ વિભાગે મંગળવારે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને જુલાઈના છેલ્લા અઠવાડિયામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજવાનો આદેશ આપ્યો છે. સમયાંતરે મૂલ્યાંકન પરીક્ષા એ બાળક કેટલું શીખ્યો છે તે ચકાસવા માટેની છે સાથે જ આ પરીક્ષા માતા-પિતાની દેખરેખ હેઠળ ઘરે બેઠા જ લેવામાં આવશે.
પરીક્ષા મુખ્ય ભાષા અને ગણિતની લેવાશે. દરેક પેપર ૨૫ માર્ક્સના હશે. શાળાઓએ ૨૮ જુલાઈ સુધીમાં પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓના ઘર સુધી પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવી પડશે. માતા-પિતાએ ૩૧ જુલાઈ સુધીમાં શાળાઓમાં ઉત્તરવહી જમા કરાવવી પડશે. પ્રશ્નપત્રોમાં પાંચ પ્રશ્ન હશે અને દરેક પાંચ-પાંચ માર્ક્સના હશે.
ગયા મહિનાની શરૂઆતમાં, મહામારીની નવા શૈક્ષણિક સત્ર પર અસર ન થાય તે માટે સરકારે ‘હોમ ર્લનિંગ’ કાર્યક્રમ શરૂ કર્યો હતો. જે અંતર્ગત વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ‘વીકલી ર્લનિંગ મટિરિયલ’ પૂરું પાડવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસ મહામારીના કારણે શાળાઓ માર્ચ મહિનાથી બંધ છે. જેથી શાળાના વિદ્યાર્થીઓને ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષ માટે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.