Western Times News

Gujarati News

આ યુવકે બનાવેલા જૂના સ્કેચથી ૪પ૦ ખૂંખાર અપરાધીને જેલમાં ધકેલ્યા

ર૦ રૂપિયાની નોટ રંગ પૂરીને બનાવી, પરંતુ શિક્ષકની સલાહે ઉત્તમ કલાકાર બન્યા

એક છાત્રની કલાને સકારાત્મકતા તરફ વાળવામાં આવી અને એ છાત્રે એવી કમાલ કરી કે, તેની કલા અને આવડતના કારણે ૪પ૦થી વધુ ખૂંખાર, નામચીન અને દેશદ્રોહી ગુનેગાર પકડાઈ ચુકયા છે. મોટાભાગના લોકો તેને આધા પુલીસવાલા કહે છે.
નામ એમનું નીતિન મનોહર યાદવ છે. વ્યવસાયે કલા શિક્ષક છે. Mumbai-Mans-Brilliant-Sketches-Have-Helped-the-Cops-Nab-450-Suspects

ચિત્રકારી તેમનો વિષય છે અને મુંબઈના ચેમ્બુરની ખાનગી શાળામાં ડ્રોઈંગ ટીચર તરીકે નિવૃત્ત થયા છે. નીતિન મનોહર યાદવ નાનપણથી ચિત્રના શોખીન છે. સાતમાં ધોરણમાં ભણતા હતા ત્યારે ર૦ રૂપિયાની નોટ જેવડો જ કાગળ કાપી આબેહુબ પેન્ટીંગ કરી નાખ્યુ.

એક દુકાનમાં જઈ એ રૂપિયાના છુટા માંગ્યા તો વેપારીએ આપી દીધા. તરત જ પ્રામાણિક છાત્ર નીતિને કહ્યું શેઠ એ નોટ તો ખોટી છે. આ વાત બીજા દિવસેશાળામાં કહેવામાં આવી નાનકડા છાત્ર નીતિને રંગ પૂરીને બનાવેલી ર૦ રૂપિયાની નોટ દરેકને સાચી જ લાગી.

દરેકે તેની કલાને વખાણી પરંતુ એક શિક્ષકે સલાહ આપી કે, બેટા તું ઉત્તમ કલાકાર છો એટલે કલા સકારાત્મકતા માટે જ વાપરજે. હવે આવું ખોટુ કામ કરતો નહી. બસ ત્યારથી નીતિને નકકી કર્યું. કે કલાનો દુરુપયોગ નહીં કરૂ, કલા તો આગળ વધતી જ રહી ઘરની પરિસ્થિતિ જાેઈ વાહનની નંબર પ્લેટ દોરવાનું ચાલુ કર્યું.

૧૯૮૪માં મુંબઈની એક હોટલમાં હત્યા થઈ. પોલીવાળા તેની ચર્ચા કરતા હતા એ સમયે નીતિન યાદવ પોલીસના વાહનની નંબર પ્લેટ દોરતા હતા અને વાતચીત સાંભળી પોલીસને કહ્યું કે, હું તમારી મદદ કરી શકું છું. આ હત્યામાં એક જ સાક્ષી વેઈટર હતો. નીતિને તેની સાથે ઝીણી ઝીણી વાતો કરી આરોપીનું વર્ણન મેળવ્યું.

તેના આધારે સ્કેચ બનાવાયો અને વેઈટરે બસ આ જ હતો તેમ કહેતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી લીધો. આ દરમિયાન નીતિન યાદવ જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં ડીગ્રી મેળવી શિક્ષક તરીકે આજીવિકા શરૂ કરી દીધી. પરંતુ તેમણે પોલીસને જે મદદ કરી પોલીસ ભૂલી ન હતી.

અધિકારીઓની બદલી થતી રહે તેમ તેઓ કોઈ ગુનાનો ભેદ ઉકેલવા સ્કેચ બનાવવાની અને નીતિન યાદવની કલાની વાત કરતા. આમ મુંબઈના દરેક પોલીસ સ્ટેશનમાં તેની સેવા લેવામાં આવી. ૩૦ વરસમાં નીતિન યાદવે ૪ હજાર સ્કેચ બનાવ્યા છે. જેના આધારે ખૂંખાર અને નામીચા ૪પ૦ આરોપી પકડાઈ ચૂકયા છે. શિક્ષક તરીકે નિવૃત્ત થયેલા આ માણસની હજુ પણ સેવા લેવામાં આવે છે. પરંતુ હવે સીસીટીવી જ મોટાભાગનું કામ કરી નાખે છે.

અનેક ચર્ચાસ્પદ કેસ ઉકેલવાના સહયોગી બનેલા કલાકારે વિનામૂલ્યે સેવા આપી છે ઓગસ્ટ ર૦૧૭માં મુંબઈ શક્તિ મિલ્સ કમ્પાઉન્ડમાં મહિલા પત્રકાર ઉપર ગેંગરેપ થયો હતો. આ મહિલા સાથે એક ફોટોગ્રાફર પણ હતો. આખી રાત તેની પાસેથી વિગત મેળવી ત્રણ સ્કેચ બનાવ્યા.

તેના આધારે પોલીસે એક આરોપીને પકડી પાડ્યો. બાકીના પણ તરત હાથમાં આવી ગયા. આ ઘટના પછી નીતિન યાદવને લોકો ઓળખતા થયા. આમ છતાં તેઓ નામની લાલચે જાહેરમાં આવ્યા જ નથી. પુનાનો દાભોલકર હત્યા કેસ પણ તેમના સ્કેચના આધારે જ ઉકલ્યો હતો.

જર્મન બેકરી બ્લાસ્ટ, કસાબ સહિતના આરોપી તેમની પીંછીમાંથી પસાર થઈ ચૂકયા છે. આટલી બધી પોલીસને મદદ કરવા છતાં કોઈ પૈસો માંગ્યો નથી. તેઓ આ કાર્યને પણ રાષ્ટ્ર સેવા જ કહે છે. નીતિન સરથી પ્રખ્યા આ વ્યક્તિ કહે છે હું ગણપતિ જેવા કાન ધરાવું છું. ખૂબ સાંભળું પછી કામ શરૂ છું.

કુર્લામાં રહેતા આ અદ્‌ભુત કલાકારે ખારધરમાં નાનો ફલેટ લીધો છે. પૈસાની લાલચમાં તેઓ કયારેય પડયા નથી એટલે પોલીસમાં પણ તેઓ ઉમદા છાપ ધરાવે છે. કેન્સર થતા દવાના પૈસા માટે ચિત્રકામ મામૂલી ફીથી શીખવે છે. ગરીબોને તો હજુ પણ વિનામૂલ્યે જ તાલીમ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.