આ યુવતી કચ્છ સરહદે આવેલી બોર્ડર પર જવાનો સાથે મનાવશે રક્ષાબંધન

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ નડિયાદની વિધિ જાદવને આપી સૌજન્ય મુલાકાત- નાની ઉંમરે સૈનિક પરિવારો સેવા અને સહાયતાની વિધિની પ્રવૃત્તિઓને પ્રેરક ગણાવી કર્યું સન્માન
વિધિએ પ્રધાનમંત્રીશ્રીને મળવાની વ્યકત કરી ઈચ્છા
નડિયાદની વિધિ જાદવ નાની ઉંમરે લોકો અને સંસ્થાઓના સહયોગથી ભારતીય સેનાના નરબંકા જવાનોના પરિવારોના કલ્યાણની, એમના પ્રત્યે સદભાવના દર્શાવવાની અને ખાસ કરીને શહીદ જવાનોના પરિવારોને સહાય કરવાની અને સાંત્વના પાઠવવાની વ્યાપક પ્રવૃત્તિઓ કરી છે.
વિધિના આ સૈનિક સેવા અભિયાનની જાણકારી મળતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સહૃદયતા સાથે વિધિને ગાંધીનગર તેડાવીને સૌજન્ય મુલાકાતમાં તેની પ્રવૃતિઓની વિગતવાર જાણકારી મેળવી, રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિની તેની આ નોખી પ્રવૃત્તિને પ્રેરક ગણાવી, તેનું સન્માન કર્યું હતું.
મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નડિયાદની વિધિ જાદવને મંગળવારે ગાંધીનગર બોલાવીને તેનુ સન્માન કર્યું હતું. મુખ્ય મંત્રીશ્રીએ વિધિની શહીદ સૈનિકોના પરિવારજનોને મદદરૂપ થવાની તેની સંવેદનશીલ કામગીરીની સરાહના કરી તેણીએ અત્યાર સુધી રાષ્ટ્રની રક્ષા કરતા કરતા શહીદ થયેલા જવાનોના પરિવારો માટે જે કામગીરી છે તેની વિસ્તૃત ચર્ચા કરી વિધિ જાદવને અભિનંદન પાઠવ્યા હતા.
વિધિએ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને રાખડી બાંધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિધિ જાદવ તા.૨૧,૨૨ ઓગસ્ટ – ૨૦૨૧ ના રોજ કચ્છ સરહદે આવેલ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર (સરક્રીક વિસ્તાર) પર ફરજ બજાવતા ભારતીય સેનાના જવાનો સાથે ભાઈ બહેનના પવિત્ર એવા રક્ષાબંધનનું પર્વ મનાવશે.
તા.૨૧ ના રોજ વીઘાકોટ બોર્ડરે જવાનોને રાખી બાંધી વીઘાકોટ કિલ્લાની મુલાકાત લઈ જવાનો સાથે દિવસ ગુજારશે. ત્યારબાદ ૧૯૬૫ ના ભારત પાકિસ્તાન યુધ્ધની યાદગીરીમાં બી.એસ.એફ ના વોર મેમોરિયલની મુલાકાત લઈ ત્યાં પણ જવાનોને રાખી બાંધશે.તા.૨૨ રક્ષાબંધન દિવસે આપણા દેશની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરના સૌથી છેલ્લા પિલ્લરની મુલાકાત લેશે.
આ વિસ્તાર કાદવ કીચડ વાળો છે જ્યાં આર્મીના ખાસ વાહન ધ્વારા જઈ શકાય છે.આ સ્થળે નાગરિકોને જવાની મનાઈ છે જેથી આ વિસ્તારમાં જવાની મંજૂરી તેને આપવામાં આવી છે, ત્યાં આપણાં જવાનોને રાખી બાંધશે. ત્યારબાદ લખપત પાસે આવેલ ગુનેરી બોર્ડર પોસ્ટ ખાતેના જવાનોને રાખી બાંધશે.
આ કામે વિધિને બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા તમામ મંજૂરી આપવામાં આવી છે, જ્યાં બે દિવસ રોકાશે અને આપણા દેશના સૈનિકો સાથે રક્ષાબંધન પર્વ મનાવશે. મુખ્ય મંત્રીશ્રી સાથેની આ મુલાકાતમાં વિધિના માતા પિતા અને તેની નાની બેન પણ સાથે રહ્યા હતા. તેને વડા પ્રધાન સાથે મુલાકાતની મુખ્ય મંત્રી સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી.