Western Times News

Gujarati News

આ લોકો ચોવીસે’ય કલાક જાગે છે એટલે નાગરિકો છે સલામત અને સુરક્ષિત

કોરોના સામે અડીખમ યોદ્ધા ! દાહોદ જિલ્લામાં ૨૫૦૦થી વધુ પોલીસકર્મીઓ રાત્રીમાં કરે છે લોકોની સુરક્ષા

જિલ્લાની આંતરરાજ્ય સરહદ પોઇન્ટ ઉપર આરોગ્ય વિભાગના ૫૦થી વધુ આરોગ્યસેનાનીઓ કરે છે રાતભર પ્રવાસીઓની આરોગ્ય ચકાસણી

દાહોદ નગરના પ્રવેશ માર્ગોના તમામ પોઇન્ટ ઉપર નગરપાલિકાના ત્રણ-ત્રણ કર્મચારીઓને સોંપાઇ છે રાત્રી ફરજ

(આલેખન – દર્શન ત્રિવેદી) દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા માટે પ્રશાસન વિવિધ સ્તરે પગલાં લઇ રહ્યું છે. તેમાંય ખાસ કરીને આરોગ્ય અને પોલીસ તંત્ર દ્વારા છેલ્લા ચાલીસ દિવસથી અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ બન્ને તંત્રના એવા અનેક અડીખમ યોદ્ધાઓ છે કે જે દિનરાત કામ કરી રહ્યા છે. દાહોદ જિલ્લા પોલીસ તંત્રના ૨૫૦૦થી વધુ જવાનો રાત્રીના ફરજ બજાવી રહ્યા છે. સામાન્ય રીતે દવાખાનામાં જ નાઇટ ડ્યુટી કરવાની થતી હોય એવા ૬૫થી વધુ આરોગ્ય કર્મચારીઓ ફિલ્ડમાં રાત્રી દરમિયાન કામગીરી કરી રહ્યા છે.

સામાન્ય સંજોગોમાં પોલીસ તંત્રની નાઇટ ડ્યુટી કરતા લોકડાઉનની રાત્રી ફરજ અલગ પડે છે. નગરોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં રાત્રી દરમિયાન નાગરિકોની કોઇ પણ અવરજવર ના થાય એ બાબતનો ખ્યાલ રાખવો પડે છે. જેમકે, સામાન્ય રીતે રાત્રીના પ્રથમ પહોરમાં કોઇ ઘરની બહાર બેઠું હોય તો તેને પોલીસ અવગણે છે. પણ, હાલમાં તો આવી બાબતોની પણ તકેદારી રાખવી પડે છે.

પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર કહે છે, લોકડાઉનના કારણે પેટ્રોલિંગની સંખ્યા વધારવામાં આવી છે. દાહોદ જિલ્લામાં રાત્રીના કેટલાક વિસ્તારોમાં ૧૦થી વધુ વાહનોમાં એસઆરપીના જવાનો સાથે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી, કોઇ પણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ ટ્રેસ કરી શકાય. જિલ્લામાં રોજ રાતે ૨૫૦૦થી વધુ જવાનો આવી ડ્યુટી કરે છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે આંતરરાજ્ય સરહદ ધરાવતા દાહોદ જિલ્લામાં ચેકપોસ્ટ ઉપર પણ પોલીસ વિશેષ તકેદારી રાખી રહી છે. જિલ્લામાં ઉક્ત બન્ને રાજ્યોની સરહદો ઉપર ૧૭ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યાં આરોગ્ય કર્મચારીઓ પણ અડીખમ યોદ્ધ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગુજરાતને મધ્યપ્રદેશ સાથે જોડતા ઇન્દોર નેશનલ હાઇવે ધમધમતો માર્ગ છે. આ હાઇવે ખંગેલા ચેકપોસ્ટ પરથી સામાન્ય રીતે રાત્રી દરમિયાન ૨૫૦૦થી વધુ ગૂડ્ઝ વાહનો પસાર થાય છે, ત્યાં આજે લોકડાઉનના કારણે માત્ર ૪૫થી ૫૦ વાહનોની અવરજવર નોંધાઇ છે. અહીં ત્રણ આરોગ્ય કર્મચારી અને એક શિક્ષકની પણ ડ્યુટી લાગી હોય છે.

લોકડાઉન પૂર્વે વાહનોની તપાસ થતી હતી. ત્યાં આજે ડ્રાઇવર સહિતના પ્રવાસીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ થર્મલ ગનથી ડ્રાઇવરોનું ચેકિંગ કરે છે. પ્રવાસથી વિગતો પણ નોંધે છે. જ્યારે, બીજી તરફ કોઇ પણ પાસ કે પરવાનગી વિના રાજ્યમાં પ્રવેશ કરવા માંગતા પ્રવાસીઓને પોલીસ પરત મોકલી આપે છે. સામાન્ય રીતે આવું બનતું નથી.

આરોગ્ય કર્મચારીઓની પોતાના દવાખાનામાં જ નાઇટ ડ્યુટી લાગતી હોય છે. પણ, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આ આરોગ્યસેનાનીઓ ફિલ્ડમાં પણ રાત્રી ફરજ બજાવી રહ્યા છે. ૧૭ ચેકપોસ્ટ ઉપર તેની નજીકના સરકારી દવાખાનાના બે મલ્ટીપરપઝ હેલ્થ વર્કર અને એક કોમ્યુનિટી હેલ્થ ઓફિસરને ફરજ સોંપવામાં આવી છે. લોકોને સુરક્ષિત રાખવા આ લોકો રાત્રીના સાતથી સવારના સાત વાગ્યા સુધી અડીખમ રહી ફરજ બજાવે છે. જિલ્લામાં ૫૦થી વધુ આરોગ્યકર્મીઓ ફિલ્ડમાં રાત્રી ફરજ બજાવે છે.

દાહોદ નગરના પ્રવેશ માર્ગો ઉપર બનાવવામાં આવેલી ચેકપોસ્ટ ઉપર નગરપાલિકાના સ્ટાફને પણ રાત્રી ફરજ સોંપવામાં આવી છે. પ્રત્યેક પોઇન્ટ ઉપર નગરપાલિકના ત્રણ કર્મચારીઓ પોલીસ સાથે ફરજ બજાવે છે.

રાત્રી ફરજમાં મહિલા પોલીસકર્મીઓ પણ મોખરે છે. દાહોદ જિલ્લાના પોલીસ તંત્રના મહિલા પોલીસ કર્મીઓ પણ કોઇ હિચકિચાટ વિના ફરજ બજાવે છે. આમ, પોલીસ, આરોગ્ય, શિક્ષક અને નગરપાલિકાના આવા અડીખમ યોદ્ધાઓના કારણે જ દાહોદમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાયું છે. આ ખરા અર્થમાં કોરોના વોરિયર્સ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.