આ વર્ષે ઈદ પર રિલીઝ થશે રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ
મુંબઈ: સલમાન ખાને હાલમાં જ જાહેરાત કરી હતી કે તેની અપકમિંગ ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સલમાન સાથે દિશા પટણી પણ છે ત્યારે ૨૦૨૧ની ઈદ પર ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ થિયેટરમાં રિલીઝ થવાની વાતથી દિશા ખૂબ ખુશ છે.
લોકડાઉનમાં રાહત અપાતાં થિયેટરો અને સિનેમા હોલ ખુલી ગયા છે અને ફરીથી દર્શકો મોટા પડદે ફિલ્મની મજા લઈ શકે છે. થિયેટરો ખુલી જતાં દિશા પટણી પણ ખૂબ ખુશ છે. દિશાએ કહ્યું “રાધે થિયેટરોમાં રિલીઝ થશે અને હું ખૂબ ઉત્સાહિત છું કે ઓડિયન્સ ફિલ્મની એક્શન અને મસ્તી મોટી સ્ક્રીન પર નિહાળી શકશે. હું ખૂબ કૃતજ્ઞ છું અને રિલીઝની રાહ જાેઈ રહી છું.
હું લોકોને વિનંતી કરીશ કે સુરક્ષિત રહેજાે અને થિયેટરમાં જતી વખતે તમામ પ્રકારના જરૂરી પગલાં લેજાે.” બે દિવસ પહેલા જ સલમાને ખાને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને લખ્યું હતું, “માફ કરજાે તમામ થિયેટરના માલિકોને જવાબ આપવામાં મને સમય લાગ્યો.
પરંતુ આવા સમયગાળા દરમિયાન આ ખૂબ મહત્વનો ર્નિણય હતો. હું સમજી શકું છું કે હાલ થિયેટરના માલિકો/એક્ઝિબિટર્સ કયા પ્રકારની આર્થિક મુશ્કેલી વેઠી રહ્યા છે અને હું રાધે થિયેટરમાં રિલીઝ કરીને તેમની મદદ કરવા માગુ છું.
બદલામાં હું તેમની પાસેથી અપેક્ષા રાખું છું કે તેઓ થિયેટરમાં રાધે જાેવા આવનારી ઓડિયન્સની સુરક્ષા માટે તમામ પ્રકારની કાળજી અને જરૂરી પગલાં લેશે. મેં તમને ઈદનું વચન આપ્યું હતું અને હવે ૨૦૨૧ની ઈદ પર આવી રહી છે. આ વર્ષે ઈદ પર રાધેની મજા લો.
થોડા દિવસ પહેલા થિયેટરોના માલિકોએ સલમાન ખાનને પત્ર લખીને વિનંતી કરી હતી કે તેઓ રાધે ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરે. જેથી કોરોનાના કારણે જે નુકસાન થયું છે તેની થોડીઘણી ભરપાઈ થઈ શકે. દેશના વિવિધ રાજ્યોના થિયેટર માલિકો/એક્ઝિબિટરોએ સલમાનને આ વિનંતી કરી હતી. જે બાદ સલમાને રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈને થિયેટરમાં રિલીઝ કરવાની જાહેરાત કરી છે.