આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના : કેરળમાં ચોમાસુ શરૂ થયા બાદ ૪૮ કલાકમાં ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે તેની આગાહી કરાશે : હવામાન વિભાગ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/Rain.jpeg)
સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ તકેદારીપૂર્વક તૈયારીઓ કરવા વહીવટી તંત્રને અનુરોધ કરતા મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર
રાજ્યમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સંપૂર્ણ સજજ છે. રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિઓને પહોચી વળવા સંપૂર્ણ તકેદારીપૂર્વક તૈયારીઓ કરવા વહીવટી તંત્રને મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે અનુરોધ કર્યો હતો.
આજે ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રિમોન્સૂનની તૈયારી અંગે સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ, પૂર અને વાવાઝોડા સામે રાહત અને બચાવની કામગીરીમાં વહીવટીતંત્રે સાવચેતીપૂર્વક સઘન આયોજન કરવુ પડશે.
બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા અંગેનો એક્શન પ્લાન રજૂ કર્યા હતા. જેમાં મુખ્ય સચિવશ્રીએ જરૂરી તલસ્પર્શી સૂચનો કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, ભૂતકાળના અનુભવના આધારે આપત્તિ સમયે જે કંઈ પણ તકલીફ પડી હોય તેના નિરાકરણ માટે પૂરતી કાળજી રાખવી,
જિલ્લા ડિઝાસ્ટર પ્લાન વાસ્તવિકતા અને તથ્યોના આધારિત સચોટ બનાવવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત પૂર ઉપરાંત અન્ય વિકટ પરિસ્થિતિમાં રિસ્પોન્સ ટાઈમ ઘટે અને લોકોને ત્વરિત મદદ થાય તે અંગે વ્યૂહાત્મક યોજના બનાવવા પણ સૂચના આપી હતી.
મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું કે, રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વરસાદ સહિત અન્ય કામગીરીના ડેટા કલેકશન અંગેના રિપોર્ટનું ખાસ ફોર્મેટ બનાવવું જેથી તમામ વિભાગોના ડેટા એકસમાન ફોર્મેટમાં આવે અને ડેટા કલેકશનમાં સુસંગતતા જળવાઈ રહે તેમ તેમણે ઉમેર્યું હતું.
ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવ્યાનુસાર આ વર્ષે દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. કેરળમાં જયારે વરસાદ પડશે તે પછીના ૪૮ કલાકમાં ગુજરાતમાં વરસાદની સંભાવના અંગેની આગાહી કરવામાં આવશે આ માટે હવામાન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પી.સ્વરૂપે સંભવિત વરસાદની પરિસ્થિતિમાં પુર અને વાવાઝોડામાં રાહતની કામગીરી દરમિયાન વિવિધ વિભાગો અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાયેલ તૈયારીઓની સવિસ્તૃત વિગતો આપી હતી
અને પુર-વાવાઝોડા દરમિયાન સાવચેતીના ભાગરૂપે રાખવાની થતી કાળજી અંગે જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં ચોમાસાની તૈયારીઓ માટે તમામ વિભાગો દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જિલ્લાકક્ષાએ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનાવીને તેની બેઠકો પણ યોજી દેવામાં આવી છે.
આ પ્રિમોન્સૂન બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી સહિત વિવિધ વિભાગો જેવા કે શહેરી વિકાસ,આરોગ્ય, સિંચાઈ, કૃષિ, માર્ગ અને મકાન,ગૃહ,પાણી પુરવઠો, અન્ન અને નાગરિક પુરવઠા,વન, બંદરો અને વાહન વ્યવહાર, પંચાયત, ઊર્જા, શ્રમ,ઉદ્યોગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, પશુપાલન, શહેરી વિકાસ તેમજ માહિતી ખાતાના ઉચ્ચ સનદી અધિકારીઓએ ઉપસ્થિત રહીને આ અંગે પોતાના દ્વારા કરેલી તૈયારીઓ રજૂ કરી હતી.
આ ઉપરાંત બેઠકમાં આર્મી, હવાઈ દળ,બીએસએફ, એનડીઆરએફ,સીઆઇએસએફ, ગુજરાત પોલીસ, બીએસએનએલ, GSDMA, જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.