આ શહેરની દૂધની ડેરી હવે સસ્તાં ઓર્ગેનિક શાકભાજી પણ વેચશે
પશુપાલકો પાસેથી દૂધ ખરીદતી ડેરી હવે ખેડૂતો પાસેથી સીધા શાકભાજી ખરીદશે અને કોન્ટ્રાક્ટ ફાર્મિગ પણ કરાવશે
ગાંધીનગર, દૂધની ડેરી હવે નવા વ્યવસાય તરફ ઢળી રહી છે. દૂધ ઉપરાંત દૂધની બનાવટો પછી હવે ખેડૂતો પાસેથી ખરીદ કરીને ઓર્ગેનિક શાકભાજી પણ વેચશે. આ શરૂઆત મહેસાણાની દૂધસાગર ડેરીએ કરી છે. બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે ઉદ્દેશથી ડેરીમાં આ વ્યવસાય શરૂ કરવામાં આવી રહ્યો હોવાનું ડેરીના સૂત્રોએ જણાવ્યું છે.
દૂધ સાગર ડેરી હવે ખેડૂતો પાસેથી શાકભાજી ખરીદી કરશે. આ ડેરી ખેડૂતો પાસે કોન્ટ્રાક્ટ ફાર્મિગ કરાવશે. અને તેમની પાસે ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર કરાવશે. અને આ ઓર્ગેનિક શાકભાજી ખરીદીને બજારમાં મૂકશે.
જેથી લોકોને પણ ઓર્ગેનિક શાકભાજી મળી શકે. ડેરી દ્વારા અમૂલ બ્રાન્ડિંગ સાથે ડેરી ફ્રેશ નામની બ્રાન્ડ સાથે શાકભાજી બજારમાં વેચાણ માટે મૂકવામાં આવશે.
પ્રાકૃતિક શાકભાજીના વાવેતર માટે ખેડૂતોને ખાસ માર્ગદર્શન આપવામાં આવશે. આગામી એકાદ માસ બાદ ડેરી ફ્રેશના બ્રાન્ડિગ સાથે પ્રાકૃતિક શાકભાજી બજારમાં મૂકવામાં આવશે. જેની તૈયારીના ભાગરૂપે અમુલનું ડેલિગેશન છેલ્લા ત્રણ માસથી દૂધ સાગર ડેરીની મુલાકાત લઈ રહ્યું છે.
અને ખેડૂતો કઈ રીતે પ્રાકૃતિક ખેતી કરીને આવક બમી કરી શકે તેના માટે ડેરીના ચેરમેન, અધિકારીઓ અને ખેડૂતો સાથે પરામર્શ કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને ફેડરેશનના એક મત મુજબ સુગર, સહકારી બેંકો અને દૂધ સંઘોમાં ગુજરાત સફળ છે.
પ્રાકૃતિક બાગાયત ખેતીથી ખેડૂતની આવક ડબલ કરવાના લક્ષ્ય તરફ આગળ વધવામાં દૂધ સાગર ડેરી એક સફળ પ્રયોગ કરવા તરફ આગળ વધી રહી છે. જેના માટે ડેરી દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા માંગતા ખેડૂતોને બિયારણ પણ ડેરી પૂરું પાડશે. ખેડૂતો સાથે સમજૂતી કરાર કરીને ખેડૂતો પાસે પ્રાકૃતિક બાગાયત ખેતી કરાવશે. અને તે પ્રાકૃતિક ખેતીનું વૈજ્ઞાનિક પદ્ધતિથી કામ થય એ માટે ડેરીના વૈજ્ઞાનિકો અને અધિકારીઓ દ્વારા પણ દેખરેખ રખાશે.