Western Times News

Gujarati News

આ સંસ્થા આપી રહી છે, 2000 બળદોને જીવનભરનો નિઃશુલ્ક આશરો 

સદભાવના વૃદ્ધાશ્રમ(રાજકોટ) દ્વારા બળદોની જિંદગી બચાવવા અપીલ  

ગૌ વંશ બળદને સદભાવના વૃદ્ધાશ્રમ(રાજકોટ) જીવનભરનો નિઃશુલ્ક આશ્રય આપશે

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજના કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વડીલો નિરાધાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદ્દભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃદ્ધાશ્રમ ગુજરાતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ છે.

આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધો પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી.

તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં હાલ 300 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. જેમાંથી 120 વડીલો તો પથારીવશ છે. એટલું જ નહી વડીલોની સેવા કરવાની સાથે સાથે સદભાવના વૃદ્ધાશ્રમ માનવ સેવા અને પર્યાવરણ સેવાની અન્ય ઘણી પ્રવૃતિઓમાં પણ પ્રવૃત રહે છે.

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વર્તમાન સમય સુધી 8 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે તેમજ તેનો ઉછેર પણ કરવામાં આવે છે. સદભાવના વૃદ્ધાશ્રમ પોતાના અન્ય ઉત્કૃષ્ટ કાર્યો માનવ સેવા, પર્યાવરણની સાથે સાથે વધુ એક કદમ  પશુ સેવા, જીવદયા તરફ લઈ રહ્યું છે.

સદભાવના વૃદ્ધાશ્રમ(રાજકોટ) દ્વારા બળદોની જિંદગી બચાવવા અપીલ કરવામાં આવી છે. બળદનો ઉપયોગ ખેતીવાડીમાં કકરી શકાય છે. તેઓ સ્વભાવે શાંત, કામગરા હોય છે. પ્રાચીન કાળમાં પણ જયારે સાધનોની શોધ થઇ નહોતી, ત્યારે મુસાફરી કરવા તેમ જ માલસામાનની હેરફેર કરવા માટે બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતો હતો

આમ તે તો આપણી સંસ્કૃતિ, વારસો કહેવાય. ઈશ્વરની આવી દુર્લભ દેન ગૌ વંશ બળદને સદભાવના વૃદ્ધાશ્રમ જીવનભરનો આશ્રય આપશે. ગુજરાતનાં કોઈ પણ ગામ-શહેર,હાઈ વે પર બળદ છુટા, રખડતા,લાચાર-બીમાર કે વયોવૃધ્ધ અવસ્થામાં,અનાથ જોવા મળે તો તરત જ સદભાવના વૃદ્ધાશ્રમને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

કોઈ નિરાધાર, નિરાશ્રિત, બીમાર કે રસ્તે રખડતા, કતલખાને જતાં કે ભૂખ-તરસ-બિમારીથી કમોતે મરતાં 2000 જેટલાં બળદોને સદભાવના વૃદ્ધાશ્રમ(રાજકોટ) દ્વારા આજીવન,નિઃશુલ્ક આશરો આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિને આવા કોઈ નિરાધાર બળદ દેખાય તો સંસ્થા દ્વારા ફોન કરીને જાણ કરવાની વિનંતી કરવામાં આવી છે.

આપ સંસ્થાને મો.7621058949 પર ફોન કરીને જાણ કરવા સદભાવના વૃદ્ધાશ્રમનાં પ્રમુખ વિજયભાઈ ડોબરિયાની યાદીમાં જણાવાયું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.